મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાંથી વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં તરબૂચ ખાધા બાદ પિતા અને પુત્રની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. બંનેને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાંથી પિતાને પ્રાથમિક સારવાર બાદ કોટા રેફર કરવામાં આવ્યા, જો કે રસ્તામાં તેમનું મોત થઈ ગયું. વળી દીકરાની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે અને હોસ્પિટલમાં તેને વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે.
જાણકારી અનુસાર, મૃતક પિતાનું નામ ઈંદર સિંહ પરિહાર હોવાનું કહેવાય છે અને દીકરાનું નામ વિનોદ પરિહાર છે. બંને એમપીના આગર માલવા જિલ્લાના સુસનેર વિધાનસભા વિસ્તારમાંથી મજૂરી માટે શ્યોપુર આવ્યા હતા. અહીં તેમણે તરબૂચ ખાધા હતા, જે બાદ તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ.
તરબૂચ ખાધા બાદ અચાનક તબિયત બગડી ગઈ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તરબૂચ ખાધા બાદ બંનેને ઉલટી, ચક્કર અને નબળાઈ જેવી ફરિયાદો થવા લાગી. હાલત ખરાબ થતાં તરત જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા. ડોક્ટરે પ્રાથમિક સારવાર બાદ પિતા ઈંદર સિંહને ગંભીર સ્થિતિમાં કોટા રેફર કરી દીધા, પણ રસ્તામાં ખતૌલી ગામ નજીક પિતાનું મોત થઈ ગયું.
આ ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો
આ ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. શરુઆતી તપાસમાં આશંકા સેવાઈ રહી છે કે તરબૂચમાં કેમિકલ અથવા હાનિકારક પદાર્થની મિલાવટ હોઈ શકે છે, જેનાથી આવી હાલત થઈ. જો કે હજુ સત્તાવાર રીતે કંઈ કહેવાયું નથી. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તરબૂચના સેમ્પલ પણ તપાસ માટે મોકલી દીધા છે.
ડોક્ટર્સનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ જાણી શકાશે. આ ઘટનાએ લોકોમાં ચિંતા વધારી દીધી છે અને સ્થાનિક પ્રશાસન પાસે ફૂડ સિક્યોરિટીને લઈ કડક પગલાં ઉઠાવવાની માગ થઈ રહી છે.
