
આ નિર્ણયની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, આટલી મોટી સંખ્યામાં બસોનું લોકાર્પણ હોવા છતાં, કોઈ પણ પ્રકારના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ, રીબન કટીંગ કે પ્રોટોકોલ મુજબના વીઆઇપી કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.
રાજ્ય સરકારના આ અભિગમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્સવોને બદલે જનકલ્યાણને સર્વોપરી રાખવાનો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા આ પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આવા મોટા પ્રોજેક્ટ્સના લોકાર્પણ પ્રસંગે બસોને દૂર-દૂરથી પ્રોટોકોલ મુજબ કાર્યક્રમ સ્થળે લાવવા-લઇ જવામાં અને ભવ્ય આયોજનોમાં હજારો લિટર ઈંધણ તેમજ લાખો રૂપિયાના સરકારી નાણાંનો વ્યય થતો હોય છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઇંધણની બચત સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરી શકાય તે હેતુથી મુખ્યમંત્રીશ્રીએ ‘ઝીરો સેરેમની’નો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયના અમલીકરણ સાથે જ આ ૩૦૦ નવી બસો સીધી જ નિર્ધારિત ડેપો પરથી સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે રૂટ પર દોડતી થઈ જશે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
જ્યારે પણ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જનતાને તાત્કાલિક સુવિધા આપવી એ જ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. આ અભિગમ સ્પષ્ટ કરે છે કે સરકાર માટે નેતાઓના સત્કાર અને સ્ટેજ કાર્યક્રમો કરતાં સામાન્ય માનવીની મુસાફરી વધુ મહત્વની છે.