
હવે ‘ફ્રી’ નહીં, ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં આવી ચાંદી
સરકાર દ્વારા લેવાયેલા આ તાજેતરના નિર્ણય બાદ હવે ચાંદીની આયાત સરળ રહેશે નહીં. નવા નિયમો મુજબ, ચાંદીની આયાતને ‘ફ્રી’ (મુક્ત) કેટેગરીમાંથી હટાવીને ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂકી દેવામાં આવી છે. આનો અર્થ એ થાય કે હવે કોઈ પણ વેપારી મનફાવે તેમ ચાંદીની આયાત નહીં કરી શકે, પરંતુ તેના માટે સરકારની ખાસ મંજૂરી અને લાયસન્સની જરૂર પડશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, સરકારે ચોક્કસ કેટેગરીના ચાંદીના બારની આયાતના નિયમો કડક કર્યા છે.
પરમિટ વગર સિલ્વર બારની આયાત નહીં થઈ શકે
હવે 99.9% શુદ્ધતા ધરાવતી ચાંદીને ‘ફ્રી’ કેટેગરીમાંથી હટાવીને ‘રેસ્ટ્રિક્ટેડ’ (નિયંત્રિત) કેટેગરીમાં મૂકી દેવામાં આવી છે. આ સિવાય અન્ય સિલ્વર બારને પણ આ જ નિયંત્રિત શ્રેણીમાં ધકેલી દેવાયા છે, જેનો સીધો મતલબ એ છે કે હવે સરકારી પરમિટ વગર તેની આયાત કરી શકાશે નહીં. સરકારે માત્ર ચાંદી જ નહીં, પરંતુ સોનાની આયાત પર પણ અંકુશ લગાવવાનું શરૂ કરી દીધું છે.
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ હવે સોનાની આયાત પર મહત્તમ 100 કિલોગ્રામની મર્યાદા લાદવામાં આવી છે. આ સ્કીમ હેઠળ જ્વેલરી નિકાસકારોને ઝીરો ડ્યુટી પર કાચો માલ આયાત કરવાની મંજૂરી મળતી હોય છે. અગાઉ આ સ્કીમ હેઠળ સોનું લાવવાની કોઈ સીમા નક્કી નહોતી, પરંતુ હવે સરકારે ગોલ્ડ આયાત માટે એડવાન્સ ઓથોરાઈઝેશન ઈશ્યુ કરવા અને તેના મોનિટરિંગના નિયમો ખૂબ જ કડક બનાવી દીધા છે.
જણાવી દઈએ કે, હાલમાં જ વડાપ્રધાન મોદીએ પણ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું-ચાંદીની ખરીદી ન કરવા અપીલ કરી હતી.