અમદાવાદના ઢોસા કાંડમાં ચોંકાવનારો ખુલાસો! જાણો મોતનું કારણ શું નિકળ્યું

Spread the love

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલા ચર્ચિત ઢોસા કાંડમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે. ત્રણ વર્ષની બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ‘એશિનોબેક્ટર બાઉમાની’ નામનો ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર ચેપ ફેલાયો હતો, જેને કારણે અંતે તેનું કરૂણ મોત થયું હતું.

ભરાઈ જવાથી શ્વાસ લેવામાં ભારે તકલીફ

 

રિપોર્ટ મુજબ બેક્ટેરિયાના સંક્રમણથી બાળકીને સેપ્ટિસેમિયા થયો હતો, જેના કારણે શરીરના મુખ્ય અંગો પર ગંભીર અસર થઈ હતી. ખાસ કરીને ફેફસામાં સોજો અને પાણી ભરાઈ જવાથી શ્વાસ લેવામાં ભારે તકલીફ સર્જાઈ હતી. અંતે હૃદય અને શ્વાસ પ્રણાલી બંધ થઈ જતા બાળકીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.એક માહિતી પ્રમાણે આ પ્રકારનો બેક્ટેરિયા માત્ર ઢોસાનું ખીરું ખાવાથી શરીરમાં આવતો નથી. બાળકીને અગાઉથી કોઈ ચેપ અથવા ઇન્ફેક્શન થયું હોય શકે છે, જેના કારણે આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ પરિવાર માટે ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યા હતા. ઢોસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી અને બે બાળકીના શંકાસ્પદ મોત થયા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

કપડા સહિતના સેમ્પલ કબજે કર્યા

 

FSL ટીમે ડેરી અને પરિવારના ઘરેથી ખીરું, વાસણો, બાળકોની દવા, કપડા સહિતના સેમ્પલ કબજે કર્યા છે. સાથે જ પોલીસ CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે કે વિમલ પ્રજાપતિ ખીરું લઈને સીધા ઘરે ગયા હતા કે અન્ય ક્યાંય રોકાયા હતા. પોલીસને શંકા છે કે મામલો માત્ર ફૂડ પોઈઝનિંગનો નથી અને પાછળ કોઈ અન્ય કારણ પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *