શનિ દેવના જન્મસ્થાન હાથલામાં મધ્યરાત્રિથી હજારો ભાવિકો ઉમટ્યા : લાંબી કતારો લાગી

Spread the love

બે કલાકે દર્શનનો વારો આવે છે : શની દેવને તેલ, કાળા તલ, સહિતની વસ્તુઓ અર્પણ કરતા ભાવિકો : તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત અને પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે : આજે રાત્રે રાજભા ગઢવીનો ડાયરો

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામે શનિદેવના જન્મસ્થાને શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મધ્યરાત્રિના 12 વાગ્યાથી જ ગુજરાતભરમાંથી હજારો ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા, જેના કારણે એકથી બે કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત, વાહનો માટે પાર્કિંગ, અને ભાવિકો માટે છાયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ રેલિંગ દ્વારા વ્યવસ્થિત દર્શનનું આયોજન કરાયું હતું.

 

આજે વહેલી સવારે “સાંજ સમાચાર”ના યુવા તંત્રી શ્રી કરણભાઈ શાહે શનિ દેવની પૂજા અર્ચના કરી અને ધજાજીનો પણ લાભ લીધો હતો. આ ઉપરાંત પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા પણ ઉપસ્થિત રહી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

 

લોકડાયરો :

આજે રાત્રે 9 વાગ્યાથી જાણીતા લોકગાયક રાજભા ગઢવી અને ભૂમિ આહીર દ્વારા લોકડાયરો યોજાશે. શ્રધ્ધા, સંગીત અને સંસ્કૃતિનો દિવ્ય સંગમ રચાશે.

 

કલેક્ટર દ્વારા મિટિંગ :

 

આયોજન પૂર્વે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા બેઠક યોજીને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર અને ભાણવડ પીઆઈ દ્વારા પણ સ્થળ પર વ્યવસ્થા જાળવવામાં આવી હતી. પૂજારીઓ વિનોદપુરી ગોસ્વામી, નીરવપુરી ગોસ્વામી, હિતેશપુરી ગોસ્વામી અને શનિદેવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રસાદી, ઠંડા પાણી અને છાંયડાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

 

50 વર્ષે બનતો સંયોગ :

આ વર્ષે શનિ જયંતિ શનિવાર, અમાસ અને કેદાર રાજયોગના સંયોગમાં આવી હતી, જે લગભગ 50 વર્ષે એકવાર આવે છે. જ્યોતિષીય દૃષ્ટિએ સાત ગ્રહો સાત અલગ-અલગ ભાવમાં હોવાથી આ દિવસનું વિશેષ મહત્વ હતું. આ દુર્લભ યોગમાં દર્શન કરવા માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘણા શ્રદ્ધાળુઓએ પનોતી ઉતારવાના ભાગરૂપે પોતાના પગરખાંનો ત્યાગ કર્યો હતો, જેના કારણે પગરખાંના ઢગલા જોવા મળ્યા હતા.

 

શનિદેવ જન્મ સ્થળ વિશે :

પોરબંદરથી 27 કિલોમીટર દૂર હાથલા ગામ શનિ દેવના જન્મસ્થળ તરીકે ઓળખાય છે. હાથલા ગામ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાનું એક નાનું એવું ગામ જેમા માત્ર 1713ની વસ્તી છે. આ સ્થળે શનિદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ પણ પૈરાણિક અને રોચક છે. આ મંદિરે ગુજરાત નહિ પરંતુ સમગ્ર ભારતમાંથી લોકો દર્શનાર્થે આવે છે.

 

કહેવાય છે કે મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇને જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ એટલે હસ્તીન સ્થળ. પ્રાચીનકાળનું હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળમાં હાથલા, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા તે આજનું હાથલા ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે. શનિદેવના જન્મસ્થળને લઈને અનેક લોકવાયકાઓ રહેલી છે.

 

પુરાણોમાં શનિદેવના જન્મસ્થાનને લઈને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં શનિદેવના જન્મસ્થાન નજીક સ્મશાન આવેલું છે તેમજ નદી, પીપળો, ઉકરડો આ તમામનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહીં જોવા મળે છે. જેને લઈને આ સ્થળ શનિદેવનું શનિદેવનું સ્થાનક હોવાનું પૂરવાર થાય છે.

 

પાંડવોએ પણ અહિ આવી કર્યા શનિના દર્શન :

હાથલા ગામે શનિમંદિરની બહાર શનિકુંડ આવેલો છે. આ શનિકુંડમાં સ્નાનની એવી લોકવાયકા છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલા પાંડવો કૌરવો સામે ચોપાટ રમીને હારી ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને કહ્યું કે, તમારી ઉપર શનિદેવની અવકૃપા ચાલે છે. તેથી તમે પાંચેય ભાઈઓ શનિધામ હાથલા જઈને શનિકુંડમાં સ્નાન કરી, શનિદેવનું પૂજન-અર્ચન કરો જેથી શનિદેવ તમારા પર કૃપા વરસાવશે. એટલે એવી પણ માન્યતા છે, કે આ મંદિરનું નિર્માણ મહાભારત કાળ દરમિયાન પણ થયું હોઇ શકે છે.

 

પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવનું પૂજન-અર્ચન કર્યા બાદ કુરૂક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજે પણ હજ્જારો શનિભક્તો શનિકુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. ખાસ કરીને આ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. શનિ જયંતીના દિવસે સમગ્ર ગુજરાત અને ભારત ભરમાંથી લોકો અહિં શનિદેવના દર્શન કરવા માટે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *