ન્યાયતંત્ર અને કોર્ટના આદેશોનું પાલન સામાન્ય નાગરિકથી લઈને મોટા પોલીસ અધિકારીઓ સુધી તમામ માટે બંધનકર્તા છે. ભાવનગરમાં કોર્ટના હુકમ અને સમન્સની વારંવાર અવગણના કરવી એક જવાબદાર પોલીસ અધિકારીને ભારે પડી ગઈ છે. ભાવનગરના તત્કાલીન અને હાલ બોરસદના પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. બી. જાદવ સામે એડિશનલ જજ લાલઘૂમ થયા હતા અને કોર્ટના તિરસ્કાર તેમજ હુકમના અનાદર બદલ તેમને સીધા જ જ્યુડિશિયલ કસ્ટડીમાં (જેલ ભેગા કરવા) મોકલવાનો કડક આદેશ કરી દીધો હતો.
વારંવાર સમન્સ આપવા છતાં PI કોર્ટમાં રહ્યા ગેરહાજર
ઘટનાની મળતી માહિતી અનુસાર, એક કાનૂની કેસની પ્રક્રિયાના ભાગરૂપે ભાવનગર સિટીમાં તત્કાલીન પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા પી. બી. જાદવને અદાલત દ્વારા વારંવાર સમન્સ મોકલીને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. આમ છતાં, કાયદાના રક્ષક એવા પીઆઈ જાદવ સતત કોર્ટ સમક્ષ ગેરહાજર રહ્યા હતા. સરકારી અધિકારી દ્વારા અદાલતી પ્રક્રિયા પ્રત્યે દાખવવામાં આવેલી આ ઘોર બેદરકારી અને હુકમના અનાદરને પગલે એડિશનલ જજ ભારે રોષે ભરાયા હતા.
જેલ કસ્ટડીનો આદેશ થતાં જ DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ કોર્ટ દોડ્યા
જજે કડક વલણ અપનાવીને પીઆઈ પી. બી. જાદવને તાત્કાલિક જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ સંભળાવી દીધો હતો. એક ચાલુ ફરજના પીઆઈને કોર્ટે કસ્ટડીમાં લેવાનો આદેશ કરતા જ સમગ્ર પોલીસ બેડામાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો. આ ચોંકાવનારા આદેશની માહિતી મળતા જ ડીવાયએસપી (DYSP) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ અદાલતે દોડી આવ્યો હતો.
કલાકોની વિનંતી બાદ જામીન મુક્ત કરાયા, અન્ય અધિકારીઓને પણ કડક ચેતવણી
જેલના સકંજામાંથી પીઆઈને બચાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ભારે વિનંતીઓ કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી આજીજી અને કાનૂની ખાતરી બાદ, આખરે એડિશનલ જજે નરમ વલણ અપનાવીને બોરસદના પીઆઈ પી. બી. જાદવને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને મોટી આફત ટળી હતી.
જોકે, આ ઘટના બાદ જજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને ભાવનગર સિટીના તમામ પોલીસ અધિકારીઓને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે, કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા તમામ સમન્સ અને આદેશોનું ચુસ્તપણે તેમજ સમયસર પાલન થવું જ જોઈએ. કાયદાથી ઉપર કોઈ નથી તેવો મજબૂત સંદેશો આ કિસ્સાથી ન્યાયતંત્રએ આપ્યો છે.