NEET પેપર લીક કેસમાં CBIને એક વધુ મોટી સફળતા મળી છે. મેડિકલ એડમિશન પરીક્ષા (NEET) પેપર લીક કાંડમાં જે પણ માસ્ટરમાઈન્ડ ઝડપાયા છે, એજન્સી સાથે તેમનો કોઈને કોઈ કનેક્શન મળી રહ્યો છે. CBIએ આ પેપર લીકમાં એક વધુ મુખ્ય માસ્ટરમાઈન્ડની દિલ્હીથી ધરપકડ કરી છે. આ માસ્ટરમાઈન્ડ NTAની પોતાની એક્સપર્ટ મનીષા ગુરુનાથ મંધારે છે.
લાંબી પૂછપરછ બાદ થયેલી આ ધરપકડથી સમગ્ર એજ્યુકેશન સિસ્ટમમાં હલચલ મચી ગઈ છે.
મનીષા ગુરુનાથ મંધારે મહારાષ્ટ્રના પુણેની રહેવાસી છે. તે વ્યવસાયે સિનિયર બોટની (વનસ્પતિ વિજ્ઞાન) ટીચર છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, મનીષા NTA તરફથી NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં ‘એક્સપર્ટ’ તરીકે અધિકારીક રીતે જોડાયેલી હતી. NTAના એક્સપર્ટ પેનલમાં હોવાને કારણે તેમને બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રો સુધી સીધી અને સંપૂર્ણ પહોંચ હતી. આ જ પહોંચ અને પદનો લાભ લઈને મનીષાએ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી છે અને પેપર લીક સિન્ડિકેટની એક મહત્વપૂર્ણ કડી બની ગઈ છે.
કેવી રીતે રચાઈ પેપર લીકની આ યોજના?
CBIની તપાસમાં મનીષાના કાળા કારનામા ખુલ્લા પડ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, એપ્રિલ 2026 દરમિયાન મનીષાએ અગાઉ ધરપકડ થયેલી એક અન્ય આરોપી મનીષા વાઘમારે સાથે મળીને મોટી યોજના રચી હતી. વાઘમારે દ્વારા NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મનીષા મંધારે પુણે સ્થિત પોતાના ઘરે આ વિદ્યાર્થીઓ માટે ‘સ્પેશિયલ કોચિંગ ક્લાસ’ ચલાવતી હતી.
આ સિક્રેટ ક્લાસમાં તેણે વિદ્યાર્થીઓને બોટની અને ઝૂલોજીના મહત્વના સવાલો જણાવ્યા, નોટબુકમાં લખાવ્યા અને પુસ્તકોમાં માર્ક કરાવ્યા હતા. 3 મે, 2026ના રોજ જ્યારે અસલી NEET-UG પરીક્ષા થઈ, ત્યારે વિદ્યાર્થીઓએ જોયું કે મનીષાએ રટાવેલા મોટાભાગના સવાલો પેપરમાં જ હતા. તપાસ એજન્સી મુજબ, વિદ્યાર્થીઓને આ સ્પેશિયલ ક્લાસમાં બોલાવવા અને પરીક્ષામાં આવનારા સવાલોના પહેલા જ જણાવવાના બદલામાં લાખો રૂપિયાની મોટી રકમ વસૂલવામાં આવી હતી.
CBIની તાબડતોડ રેડ
આ મોટા ખુલાસા પછી CBI એક્શનમાં આવી ગઈ છે. તપાસ એજન્સીએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6 અલગ-અલગ જગ્યાએ તાબડતોડ રેડ કરી છે. આ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજ, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેમાંથી આ રેકેટના વધુ રહસ્યો ખુલવાની આશા છે. આ જપ્ત સાધનોની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ
તમને જણાવી દઈએ કે, શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ પર CBIએ 12 મે 2026ના રોજ આ કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં સ્પષ્ટ રીતે NEET-UG 2026 પરીક્ષાના પેપર લીકનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેસ નોંધાતાં જ સ્પેશિયલ ટીમો દેશભરમાં તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ મહાઘોટાળામાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ છે. જેમાંથી 5ને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે, જ્યારે કાલે પુણેમાંથી ધરપકડ થયેલા 2 આરોપીઓને ટ્રાંઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે.