રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ રણુજા (રામદેવરા) ખાતે બાબા રામદેવજીના દર્શન કરીને પરત ફરી રહેલા ગુજરાતના યાત્રાળુઓ પર કાળનો પંજો ત્રાટક્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓની સ્કોર્પિયો કારને રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં એક ગમખ્વાર અને ભયાનક અકસ્માત નડ્યો છે. બાલોતરાના આસોતરા નજીક પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર બનેલી આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક ૮ વર્ષના માસૂમ બાળક સહિત અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પવિત્ર યાત્રાના વળતા પગલે બનેલી આ કરુણાંતિકાથી સમગ્ર ધાનેરા પંથકમાં હાહાકાર મચી ગયો છે.
સ્કોર્પિયો ત્રણથી ચાર પલટીઓ ખાઈ
સ્થાનિક સૂત્રો અને હાઈવે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ધાનેરાના થાવર ગામના ચૌધરી (આંજણા) સમાજના છ લોકો પરિવાર અને મિત્રો સાથે સ્કોર્પિયો ગાડી લઈને રાજસ્થાનના રણુજા ખાતે બાબા રામદેવજીના દર્શન કરવા અને માનતા પૂરી કરવા ઉત્સાહભેર ગયા હતા. દર્શન કરીને હસતા-રમતા ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર આસોતરા ગામની સરહદ નજીક એકાએક એક ભયાનક વળાંક પર સ્કોર્પિયો કારની સામે નીલગાય (રોઝડું) આવી ગયું હતું. હાઈવે પર પુરપાટ ઝડપે દોડતી કાર સામે અચાનક વન્યજીવ આવી જતાં તેને બચાવવાના ચક્કરમાં કાર ચાલકે સ્ટેયરીંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી સ્કોર્પિયો હાઈવે પર ત્રણથી ચાર પલટીઓ ખાઈને રોડની સાઈડમાં લોખંડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને ફસડાઈ પડી હતી.
જુવાનજોધ દીકરાઓના મોતથી પરિવારો પાયમાલ
આ અકસ્માત એટલો પ્રચંડ અને ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો કુરચો બોલી ગયો હતો અને આખી ગાડી લોખંડના ભંગારના ડબ્બામાં ફેરવાઈ ગઈ હતી. કારમાં સવાર થાવર ગામના ત્રણ શ્રદ્ધાળુઓના શરીરમાં ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા. મૃત્યુ પામનાર કમનસીબ યુવાનોમાં અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉંમર વર્ષ ૩૫), હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉંમર વર્ષ ૩૨) અને સૌથી નાની વયના યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉંમર વર્ષ ૧૮)નો સમાવેશ થાય છે. એકસાથે ત્રણ-ત્રણ કમાઉ અને આશાસ્પદ જુવાનજોધ દીકરાઓના મોતથી પરિવારો પાયમાલ થઈ ગયા છે.
ત્રણ લોકોને ગંભીર ઈજા
આ ભયાનક ચીસાચીસ અને અકસ્માતનો અવાજ સાંભળીને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને આસપાસના ગામના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. લોકોએ કારના પતરા તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય ત્રણ મુસાફરો, જેમાં અશોક ચૌધરી (ઉંમર વર્ષ ૨૬), કમલેશ ચૌધરી (ઉંમર વર્ષ ૩૦) અને આયુષ ચૌધરી (ઉંમર વર્ષ ૮) નો સમાવેશ થાય છે, તેમને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ બાલોતરાની નાહટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તમામની હાલત અત્યંત નાજુક જણાતા પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક વધુ હાયર સેન્ટર જોધપુર ખાતે રીફર કર્યા છે.
બાલોતરા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
અકસ્માતની જાણ થતાં જ બાલોતરા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ક્રેનની મદદથી ગાડીને હટાવી હાઈવેનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતકોના શબને પીએમ અર્થે મોકલી ગુજરાતમાં રહેતા તેમના સગા-સંબંધીઓને ટેલિફોનિક જાણ કરી હતી. વહાલસોયા સ્વજનો દર્શન કરીને ઘરે પાછા આવશે તેવી આશા રાખીને બેઠેલા થાવર ગામના પરિવારજનો પર આ સમાચાર મળતા જ જાણે આભ તૂટી પડ્યું છે. આખા ગામમાં ચૂલા સળગ્યા નથી અને પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. મૃતકોના પાર્થિવ દેહને વતન લાવવા માટે ગ્રામજનો રાજસ્થાન રવાના થયા છે.