બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી એક ચોંકાવનારો અને સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ (Illegal weapon factory Purnia) પણ દંગ રહી ગઈ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથ હત્યાકેસની તપાસ કરી રહેલી કોલકાતા STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) ની ટીમે બિહાર પોલીસ સાથે મળીને પૂર્ણિયાના ધમદાહા વિસ્તારમાં જમીનની અંદર ચાલતી એક ગેરકાયદેસર ‘મિની ગન ફેક્ટરી’નો પર્દાફાશ કર્યો છે.
જમીનથી 20 ફૂટ નીચે ચાલતું હતું હથિયારોનું કારખાનું
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ફેક્ટરી કોઈ અવાવરુ જગ્યાએ નહીં, પરંતુ આખેઆખા ગામની વચ્ચે ચાલતી હતી. બહારથી જોતા અહીં માત્ર ખાખરાના પાનમાંથી પતરાળા બનાવવાનું કામ દેખાતું હતું, પરંતુ જમીનની નીચે હથિયારો બનાવવાનો ખતરનાક ખેલ રમાઈ રહ્યો હતો.
બિહારના મુંગેરથી લાવવામાં આવેલી ભારે લેથ મશીન (લોખંડ કાપવાનું મશીન) નો અવાજ બહાર ન જાય તે માટે આરોપીઓએ જમીનની નીચે આશરે 20 ફૂટ ઊંડો ખાડો ખોદીને ગુપ્ત ભોંયરું બનાવ્યું હતું. આ ફેક્ટરી છેલ્લા બે મહિનાથી ધમધમી રહી હતી અને અહીં બનતી પિસ્તોલ બિહાર ઉપરાંત પશ્ચિમ બંગાળના મોટા ગુનાહિત ગેંગ સુધી સપ્લાય કરવામાં આવતી હતી.
ગુપ્ત ઓપરેશન અને જપ્ત કરાયેલો મુદ્દામાલ
આ આખી કાર્યવાહી એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે સ્થાનિક પોલીસને પણ છેલ્લી ઘડીએ જ જાણ કરવામાં આવી હતી. STFની ટીમે આખા હરિપુર ગામને ચારેય તરફથી ઘેરી લીધું હતું. દરોડા દરમિયાન ભોંયરામાંથી નીચે મુજબની સામગ્રી મળી આવી હતી:
-10 અર્ધ-નિર્મિત પિસ્તોલ
-14 લોખંડની પ્લેટ
-લેથ મશીન અને કટર મશીન
-હથિયાર બનાવવા માટેના અન્ય ભારે ઉપકરણો
માસ્ટરમાઇન્ડ સહિત ચારની ધરપકડ
પોલીસે આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવવાના આરોપમાં ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમાં મોહમ્મદ આફતાબ આલમ, મોહમ્મદ અનવર, મિઠ્ઠુ કુમાર અને ગબ્બર મંડલનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ મુંગેરનો રહેવાસી સૂરજ કુમાર છે. આ ધંધા માટે તેણે ગામના સ્થાનિક યુવક મિઠ્ઠુ કુમારને મોહરો બનાવ્યો હતો, જે પહેલા બહાર મજૂરી કામ કરતો હતો. ગામલોકોને એવું જ હતું કે અહીં પતરાળા બનાવવાનું મશીન છે, તેથી તેમણે ક્યારેય શંકા ન કરી, જો કે છેલ્લા કેટલાક સમયથી અહીં બહારના લોકોની અવરજવર વધી ગઈ હતી.
સરહદી વિસ્તારોમાં સનસની
આ હાઈ-પ્રોફાઈલ દરોડામાં બિહાર અને કોલકાતા STFના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોડાયો હતો. અનુમંડળ પોલીસ અધિકારી સંદીપ ગોલ્ડીએ જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. આ ફેક્ટરીના તાર અન્ય કયા રાજ્યો અને ગેંગસ્ટરો સાથે જોડાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ખુલાસા બાદ સમગ્ર સીમાંચલ (બિહારના સરહદી વિસ્તારો) માં ભારે સનસની મચી ગઈ છે.