
શિક્ષણ ખાડે: સ્વીફટ ચેટ એપ્લીકેશન દ્વારા છાત્રોની માહીતી મોકલવા સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ, કેન્દ્રીય શાળાઓને આદેશ, ૨૦૦૦ બાળકો અભ્યાસ અધૂરો મૂકી ચાલ્યા ગયા
પ્રવેશોત્સવ ટાંકણે ઝીરો ડ્રોપ આઉટની મોટા ઉપાડે કરાયેલી ઘોષણાનો ફુગો ફૂટી ગયો: ડ્રોપ આઉટ રેશિયાના ચોંકાવનારા અને ચિંતાજનક આંકડાથી તંત્ર ઉંધા માથે તો શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ
જામનગરમાં અધધ ૧૫૯૮૫ વિધાર્થીએ અધવચ્ચે શાળા છોડી હોવાનું ચાઇલ્ડ ટ્રેકીંગ પોર્ટલના આંકડા પરથી જણાતા આ મુદો શિક્ષણજગતમાં ચકચારની સાથે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, આ વિધાર્થીનો સર્વે કરી સ્વીફટ ચેટ એપ્લીકેશન દ્વારા છાત્રોની માહીતી મોકલવા શહેર-જિલ્લાની સરકારી, ખાનગી,ગ્રાન્ટેડ શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આદેશ કરાયો છે. ૨૦૦૦ બાળકો શાળામાં અભ્યાસ અધૂરો મૂકી ચાલ્યા ગયાનું પ્રારંભીક તબકકે ખૂલ્યું છે. બીજી બાજુ પ્રવેશોત્સવ ટાંકણે ઝીરો ડ્રોપ આઉટની મોટા ઉપાડે કરાવામાં આવેલી ઘોષણાનો ફુગો અધવચ્ચે શાળા છોડી જનાર છાત્રોના આંકડા પરથી ફૂટી ગયો છે. ડ્રોપ આઉટ રેશિયાના ચોંકવાનાર અને ચિંતાજનક આંકડાથી તંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે તો શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે.
દર વર્ષે શાળા પ્રવેશોત્સવ સમયે સરકાર દ્વારા ઝીરો ડ્રોપ આઉટ એટલે કે એકપણ બાળક અધવચ્ચે શાળા છોડી જતાં રહેશે નહીં તેવી જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ તાજેતરમાં રાજયની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને ડ્રોપ આઉટ રેશીયોના આંકડા મોકલી તેનો સર્વે કરવા આદેશ કરાયો છે. જેમાં જામનગર શહેર-જિલ્લામાં કાર્યરત સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ અને કેન્દ્વીય વિધાલયમાં અભ્યાસ કરતા બાલવાટીકાથી લઇને ધો.૧૨ સુધીના ૧૫૯૮૫ વિધાર્થીઓએ અધવચ્ચે શાળા છોડી હોવાનું સીટીએસ પોર્ટલ એટલે કે ચાઇલ્ડ ટ્રેકીંગ પોર્ટલમાં નોંધાતા ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. રાજયની સાથે જામનગરની પ્રાથમિક શાળાઓમાં પ્રી-સર્વે એસએસએ પોર્ટલ પર કરવામાં આવ્યો હતો. જેમાં ધો.૫,૮ના વિધાર્થીઓ આગામી વર્ષે ધો.૬ અને ૯ માં કયાં પ્રવેશ મેળવશે તે ઓનલાઇન સબમીટ કરવા શાળાઓને આદેશ કરાયો હતો. તદઉપરાંત સ્વીફટ ચેટ એપ્લીકેશનમાં બેક ટુ સ્કૂલનો સર્વે વેકેશનના સમયગાળામાં મોકલવામાં આવ્યો છેે. જેમાં ધો.બાલવાટીકાથી ધો.૧૨ સુધીમાં અધવચ્ચે અભ્યાસ છોડનાર વિધાર્થીઓની યાદી ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમમાંથી શોધી શાળાઓને આપવામાં આવેલ અને તે વિધાર્થીઓના ડ્રોપ આઉટનું કારણ અને તેના પુન: પ્રવેશની શકયતાનો સર્વેનો આદેશ કરાયો છે. આ સર્વે આગામી તા.૩૦ મે સુધી ચાલશે.
પરંતુ મે મહીનામાં ચાલી રહેલા સર્વેના પ્રારંભીક તબકકે શહેર-જિલ્લામાં ૨૦૦૦ જેટલા વિધાર્થીઓ અધવચ્ચે શાળા છોડી જતા રહ્યા હોવાનું નોંધાયાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું છે. ત્યારે સર્વેના અંતે કેટલા બાળકોએ અધવચ્ચે શાળા છોડી તે સ્પષ્ટ થશે. અત્રે નોંધનીય છે કે, ડ્રોપ આઉટ રેશિયો ખરેખર કેટલો છે તે જાણવા માટે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાની જેમ સર્વે તો શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ શાળા છોડી ગયેલા વિધાર્થીઓ પુન: શાળામાં પ્રવેશ મેળવે તેની શકયતા નહીંવત હોવાનું શિક્ષણજગતના તજજ્ઞોએ જણાવ્યું છે. બીજી બાજુ અધવચ્ચે શાળા છોડનાર વિધાર્થીઓનો સર્વેનો આદેશ કરાયો છે તે એપ્લીકેશનમાં ડ્રોપ આઉટના કારણો શું છે તે પણ દર્શાવવા જણાવાયું છે. જેમાં સ્થળાતંર, આર્થિક-કાર્ય, સમાજીક- કુટુંબ, શૈક્ષણીક, આરોગ્ય-દિવ્યાંગતા, આપતિ કે અન્ય, વિધાથીઓનું અવસાન કે અનાથ સહીતના કારણોનો સમાવેશ થાય છે. પરંતુ રાજયની વડી કચેરી દ્વારા જાહેર કરાવમાં આવેલા ડ્રોપ આઉટ રેશિયાના ચોંકવાનાર અને ચિંતાજનક આંકડાથી તંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે તો શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે.
શાળાઓમાં વિધાર્થીઓના ડ્રોપ આઉટના ચોંકાવનારા સંભવીત કારણ..
સૌથી મહત્વનું કારણ, શાળાઓમાં શિક્ષકોને પાર વગરની ઓનલાઇન કામગીરી, ઉત્સવો, શાળા બહારની કામગીરી, વહીવટી કામના બોજના કારણે વર્ગમાં પૂરો સમય રહી શકતા નથી. આથી શિક્ષણ કથળ્યું છે અને આ કારણે વાલીઓ પોતાના બાળકને ભણતર છોડાવી આર્થિક પ્રવૃતિમાં જોડે છે.
હજુ પણ મોટી સંખ્યામાં વાલીઓ શિક્ષણ પ્રત્યે ઉદાસીન છે. કેટલાક સમુદાય પેટનો ખાડો પૂરવા સક્ષમ હોતા નથી અને પરિવારના સભ્યોની સંખ્યા વધુ હોય આ સ્થિતિમાં બાળક શાળાએ જતું નથી.
ધો.૫ અને ૮ સિવાય અન્ય ધોરણમાં વિધાર્થીઓને નાપાસ કરવાના હોતા નથી. આથી અભ્યાસની ગંભીરતા વગર ઘણા વિધાર્થીઓ પાંચમાં ધોરણ સુધી પહોંચી જાય છે. પરંતુ પછી આગળ વધી શકતા નથી અને અભ્યાસ છોડી દે છે.આથી દરેક ધોરણમાં નાપાસ કરવાનો નિયમ હોવો જોઇએ.
વિધાર્થીઓની શાળામાં હાજરીની અનિવાર્યતા માટે કોઇ નકકર નીયમ નથી .આથી ઘણા વિધાર્થીઓ અનૂકૂળતા મુજબ પણ ખૂબજ ઓછા દીવસ શાળામાં આવે છે. આથી ઉપલા ધોરણમાં પ્રમોશન કરવું પડે છે. જેના કારણે બાદમાં ડ્રોપ આઉટ થાય છે. આથી શાળામાં મીનીમમ ૭૦ ટકા હાજરી વિધાર્થીની હોય તે નિયમ જરૂરી છે.
શાળાઓમાં ઓનલાઇન કામગીરીનું ભારણ ઘટાડવામાં આવે. વહીવટી કામગીરી માટે પ્રાથમિક શાળાઓમાં કલાર્કની વ્યવસ્થા કરવામાં આવે.શાળાઓમાં પુરૂ મહેકમ જળવાય.
બેટ ટુ સ્કૂલ ઓનલાઇન સર્વે પણ કાગનો વાઘ, કારણ અનેક ત્રુટીઓ..?
જામનગર શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં બેક ટુ સ્કૂલ સર્વે ઓનલાઇન કરાવવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પણ ત્રુટીઓ હોવાની ફરિયાદો આચાર્યો અને શિક્ષકોમાં ઉઠી છે. કારણ કે ફરી પ્રવેશની ઇચ્છા સી માં ચાર પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા છે. પરંતુ જો પહેલા પ્રશ્ર્નમાં ના કહે તો પછીના ત્રણ પ્રશ્ર્ન પૂછવાના રહેતા નથી.પણ ઓનલાઇનમાં બધા પ્રશ્ર્નોના જવાબ સબમીટ કરવાના હતાં. ડ્રોપ આઉટના કારણમાં સ્થળાતંર એ હોય તો આ કિસ્સામાં વાલીનો સંપર્ક થવાની શકયતા નહીવત હોય ત્યારે ફરી પ્રવેશની ઇચ્છાના પ્રશ્ર્નોના સાચા જવાબ શકય નથી. વિધાર્થીના અવસાનના કિસ્સામાં પણ ફરી પ્રવેશની ઇચ્છાના જવાબ સાચા ન પડે. વિધાર્થીના ડ્રોપ આઉટ માટે એક જ અને તેમાં દર્શાવેલ પૈકીનું કારણ જ નોંધી શકાતું હતું. ખરેખર મોટાભાગના કિસ્સામાં એકથી વધુ કારણ હોય છે પણ તે નોંધી શકાતા નથી. આમ ઓનલાઇન સર્વેની પઘ્ધતિ ત્રુટીઓ વાળી હોય તેના આધારે સાચો નિષ્કર્ષ નીકળી શકે તેમ નથી. આ કારણસર સર્વે માત્ર દેખાડો અને કાગનો વાઘ સમાન પુરવાર થયો છે.
જામનગરમાં અધધ..૧૫૯૮૫ છાત્રએ અધવચ્ચે શાળા છોડી, વેકેશનમાં સર્વે ચાલુ..!
પ્રવેશોત્સવ ટાંકણે ઝીરો ડ્રોપ આઉટની મોટા ઉપાડે કરાયેલી ઘોષણાનો ફુગો ફૂટી ગયો: ડ્રોપ આઉટ રેશિયાના ચોંકાવનારા અને ચિંતાજનક આંકડાથી તંત્ર ઉંધા માથે તો શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ
શાળાઓમાં વિધાર્થીઓના ડ્રોપ આઉટના ચોંકાવનારા સંભવીત કારણ..