સુરત શહેરમાં જમીન વેચાણના બહાને આચરવામાં આવતા આર્થિક ગુનાઓ સામે સુરત પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇકોસેલ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઇકોસેલે કરોડો રૂપિયાની જમીન કૌભાંડ આચરતી એક હાઈટેક અને વ્યવસ્થિત નેટવર્ક ધરાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ કેસની ચોંકાવનારી બાબત એ છે કે ગુનામાં સંડોવાયેલા યસ બેંક અને આઈડીબીઆઈ બેંક ના 4 કર્મચારીઓ સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રૂપિયા 5.35 કરોડથી વધુની માતબર રકમ પડાવી લીધી
મળતી માહિતી મુજબ, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડીયા છે. રવિકુમારે વિદેશ (NRI) રહેતા અસલ જમીન માલિકોની જાણ બહાર તેઓની ખોટી સહીઓ કરીને જમીન વેચાણનો આખો કારસો રચ્યો હતો. શાતિર કૌભાંડીઓએ ફરિયાદી પાસેથી જમીન પેટે કુલ રૂ. 53551321 (રૂપિયા 5.35 કરોડથી વધુ) ની માતબર રકમ પડાવી લીધી હતી. આ કાળી કમાણીને સગેવગે કરવા માટે જમીન માલિકોના નામે બેંકોમાં બોગસ ખાતા ખોલાવવામાં આવ્યા હતા.
બેંક કર્મચારીઓ અને સીમ ડિસ્ટ્રિબ્યુટરની મદદગારી
આ બોગસ બેંક એકાઉન્ટ ખોલવામાં યસ બેંક અને આઈડીબીઆઈ બેંકના 4 કર્મચારીઓએ નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે મદદગારી કરી હતી, જેને પગલે ઇકોસેલે તેઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ખોટા દસ્તાવેજોના આધારે બોગસ સીમ કાર્ડ એક્ટિવેટ કરી આપનાર વોડાફોન-આઈડિયા (VI) ના અધિકૃત ડિસ્ટ્રીબ્યુટરની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.
કુલ 5 આરોપીઓની ધરપકડ
આ સમગ્ર મામલે સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઇકોસેલે અત્યાર સુધીમાં બેંક કર્મચારીઓ અને સીમ ડિસ્ટ્રિબ્યુટર સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મુખ્ય સૂત્રધાર તેમજ અન્ય કડીઓ મેળવવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.