
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોનો મુખ્ય હેતુ સરકારી ખર્ચ ઘટાડવાનો અને પર્યાવરણને બચાવવાનો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી સરકારી કામકાજ માટે માત્ર ખૂબ જ જરૂર હોય તો જ પ્રવાસ કરવાનો રહેશે. અધિકારીઓને રૂબરૂ મુલાકાતો ટાળીને ટેલિફોન, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવાયું છે. ખાસ કરીને જિલ્લા કે રાજ્ય બહારની મુલાકાતોને લઈને કડક નિયમો બનાવાયા છે જેથી ઈંધણનો બગાડ અટકાવી શકાય.
નવા પરિપત્ર મુજબ અપાયેલા 11 મહત્વના આદેશો:
પ્રવાસ પર નિયંત્રણ: સરકારી કામ માટે બિનજરૂરી પ્રવાસ ટાળવો. અત્યંત જરૂરી હોય તો જ ક્ષેત્રીય અધિકારીઓને મીટિંગ માટે રૂબરૂ બોલાવવા, અન્યથા વર્ચ્યુઅલ બેઠકો યોજવી.
વિદેશ અને રાજ્ય બહારના પ્રવાસ પર કાપ: અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કે તાલીમમાં ભાગ લેવાનું ટાળવું. અન્ય રાજ્યોની કે કેન્દ્રની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન જ જોડાવું.
જિલ્લા બહાર જતાં પહેલાં મંજૂરી જરૂરી: જો જિલ્લા બહાર જવું ખૂબ જ જરૂરી હોય, તો અધિકારીઓએ મુસાફરી કરતા પહેલા તેમના ઉપરી (નિયંત્રણ) અધિકારીની મંજૂરી લેવી પડશે. ઉચ્ચ અધિકારીઓએ પણ બિનજરૂરી સ્ટાફને સાથે રાખવાનું ટાળવાનું રહેશે.
વધારાના વાહનો જમા કરાવવા: જો કોઈ અધિકારી પાસે એકથી વધુ ચાર્જ હોય, તો તેમણે પોતાના એક મુખ્ય વાહન સિવાયના તમામ વધારાના વાહનો તાત્કાલિક ‘સરકારી વાહન પુલ’માં જમા કરાવવાના રહેશે.
ઈલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય: જે અધિકારીઓ પાસે પેટ્રોલ-ડીઝલની સાથે ઈલેક્ટ્રિક વાહન (EV) નો વિકલ્પ ઉપલબ્ધ છે, તેમણે ફરજિયાત ઈલેક્ટ્રિક કે હાઈબ્રિડ વાહનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ: અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણની જાળવણી માટે પોતાના ખાનગી વાહનોને બદલે મેટ્રો, એસ.ટી. બસ અને ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાશે.
મેટ્રોના સમયમાં વધારો: લોકોની સુવિધા માટે મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્ટીનમાં પાઈપ્ડ ગેસ: આગામી 6 મહિનામાં જ તમામ સરકારી કેન્ટીનોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન લેવું ફરજિયાત બનાવી દેવાયું છે.
લોકલ વસ્તુઓની ખરીદી: તમામ સરકારી કચેરીઓમાં વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી, સ્થાનિક ઉત્પાદનો અને MSME ની ચીજવસ્તુઓની ખરીદીને જ પ્રાથમિકતા અપાશે. આ માટે પ્રોક્યોરમેન્ટ પૉલિસી વધુ મજબૂત કરાશે.
કાર્યક્રમોમાં સાદગી: સરકારના વિવિધ કાર્યક્રમો એકદમ સાદાઈથી યોજવાના રહેશે અને લોકાર્પણના કાર્યક્રમો પણ બને ત્યાં સુધી ‘વર્ચ્યુઅલ’ પદ્ધતિથી જ કરવાના રહેશે.
સંગ્રહખોરી અટકાવવા ઝુંબેશ: વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ગભરાટમાં આવીને લોકો વધારે પડતી ખરીદી કે બિનજરૂરી સંગ્રહખોરી ન કરે તે માટે સરકાર દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
સરકારના આ તમામ આદેશોનો દરેક સરકારી વિભાગો, બોર્ડ, નિગમો, સરકારી યુનિવર્સિટીઓ, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ તાત્કાલિક અસરથી ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.