મેહેસાણા જિલ્લાના ખેરાલુ વિધાનસભા વિસ્તાર માટે એક અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ખેરાલુ પંથકના ગ્રામજનો માટે રાજ્ય સરકારે મોટી રાહત જાહેર કરી છે. ધરોઈ ડેમના પાણીને લિફ્ટ કરીને વિસ્તારના નાના-મોટા તળાવો ભરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજે ૯૫.૮૫ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખાસ પાઇપલાઇન બિછાવવામાં આવશે, જે ડભોડા, હડોલ, હોટલપુર અને કનેડિયા સહિતના 14 ગામોના તળાવોને અને ૨૪ જેટલા ચેકડેમોને જીવંત કરશે. આ મહત્વના નિર્ણયથી માત્ર ખેતી માટે જ નહીં, પરંતુ પશુપાલન અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવામાં પણ મોટી મદદ મળશે.
સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો ઘણા સમયથી આ માંગણી કરી રહ્યા હતા, જે હવે પૂર્ણ થતી દેખાય છે. ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના સતત અને અથાગ પ્રયાસોને પરિણામે આ આયોજનને મંજૂરીની મહોર લાગી છે. આ જાહેરાત બાદ ૧૪ ગામના આગેવાનો અને નાગરિકોએ રાજ્ય સરકારનો તેમજ ધારાસભ્યનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. હવે આ પાઇપલાઇનનું કામ શરૂ થતાં જ ખેડૂતોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ પ્રોજેક્ટ ખેરાલુ પંથક માટે આર્થિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્વનો સાબિત થશે.
