ડાયવર્જન નજીક બોર્ડ કે રિફલેકટર લગાવવામાં ન આવતા યુવક બાઇક સાથે જ ખાડીમાં ખાબકયો હતો.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી-ડેડાણ વચ્ચે પુલના નિર્માણ કાર્ય દરમિયાન થયેલા અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે. ડાયવર્ઝન બોર્ડ ન હોવાને કારણે બાઇક ચાલક ખાડામાં પડ્યો હતો. આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે.
આ ઘટના ત્યારે બની જ્યારે રાહુલભાઈ મહેશભાઈ ધાધલ અને ઘનશ્યામભાઈ મંગાભાઈ વાળા ખાનગી કંપનીમાં નોકરી પર જઈ રહ્યા હતા. પુલનું કામ ચાલુ હોવા છતાં, ઘટનાસ્થળે ધૂળ-માટીનો ઢગલો અને મોટો ખાડો હતો. અહીં કોઈ ચેતવણી બોર્ડ કે ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવ્યું ન હતું.
બાઇક સીધું ખાડામાં પડતાં રાહુલભાઈ ધાધલને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. તેમની સાથે રહેલા ઘનશ્યામભાઈ વાળાને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેઓ બચી ગયા હતા.ઈજાગ્રસ્ત ઘનશ્યામભાઈ વાળાએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, રોડ અને પુલના કામ દરમિયાન રસ્તામાં ખાડા, માટી-ધૂળના ઢગલા અને કાચા બમ્પ હતા, છતાં કોઈ ચેતવણી બોર્ડ, ડાયવર્ઝન બોર્ડ કે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા નહોતા.કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં ન આવતા, પોલીસે તેમની ગંભીર બેદરકારી બદલ ગુનો નોંધ્યો છે. ખાંભા પોલીસે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
