કેમિકલ પ્રદૂષણથી ત્રસ્ત 5 ગામના લોકોનો આક્રોશ, મહિલાઓએ કહ્યું, શુદ્ધ હવા આપો નહિતર ઈચ્છામૃત્યુ

Spread the love
મહેસાણા જિલ્લામાં આવેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા જીવલેણ પ્રદૂષણ સામે સ્થાનિક ગ્રામજનોનો પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા 4 વર્ષથી ફેક્ટરીઓના ઝેરી કેમિકલ યુક્ત ધુમાડા અને પ્રદૂષિત વાતાવરણથી તોબા પોકારી ઉઠેલા 4 થી 5 ગામના લોકોએ હવે સરકાર સામે આરપારની બાયો ચડાવી છે.

અમને ઈચ્છામૃત્યુની પરમિશન આપી દે

 

આ લડતમાં આગળ આવેલી સ્થાનિક મહિલાઓએ તંત્રને હચમચાવી મૂકે તેવી ગંભીર ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે સરકાર કાં તો અમને જીવવા માટે શુદ્ધ વાતાવરણ આપે, નહિતર અમને ઈચ્છામૃત્યુની પરમિશન આપી દે

ગામડાઓમાં રોગચાળો વકર્યો

 

ગ્રામજનોનો આરોપ છે કે કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતી ઝેરી હવાને કારણે આસપાસના ગામડાઓમાં રોગચાળો વકર્યો છે. સ્થાનિક નાગરિકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની ગંભીર તકલીફ, સતત ઉધરસ અને અસહ્ય માથાના દુખાવાની બીમારીઓ ખૂબ જ વધી ગઈ છે. ઝેરી વાતાવરણના કારણે નાના બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે. લોકો શારીરિક અને માનસિક રીતે આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે.

 

જવાબદાર તંત્ર ઘોર નિદ્રામાં

 

સૌથી વધુ આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, ગ્રામજનોએ આ બાબતે સ્થાનિક તલાટીથી લઈને જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને છેક મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં પણ જવાબદાર તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ ફેક્ટરી માલિકો સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને હવે ગ્રામજનોએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જો આગામી દિવસોમાં આ પ્રદૂષણ ફેલાવતી કેમિકલ ફેક્ટરીઓ બંધ કરવામાં નહીં આવે અથવા પ્રદૂષણ પર નિયંત્રણ નહીં મેળવાય, તો આ પ્રદર્શન ફેક્ટરીઓના તાળાબંધી સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *