
જેથી લોકોને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યના ત્રીજા આધાર સેવા કેન્દ્રનું રૂપાલાના હસ્તે લોકાર્પણ
રાજકોટ શહેરમાં પ્રથમ આધાર સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેના લોકાર્પણ પ્રસંગે લોકસભાના સાંસદ પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ કરાવી પોતાના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું હતું. આ પ્રસંગે પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આધાર સંબંધીત લોકોના કોઈ પ્રશ્નો હોય તો તે ઘર આંગણે જ મળી રહે તે માટે આધાર સેવા કેન્દ્રનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભારત સરકારની સેવાઓનું વિસ્તરણ સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ નાગરિકોના રોજબરોજના કામકાજમાં ઉપયોગમાં આવતું થઈ ગયું છે. આધારકાર્ડ નવું બનાવવા તેમજ અન્ય કોઈ અપગ્રેડેશન કરવા માટેના પ્રશ્નો હલ થઈ શકે તે માટે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ પ્રકારનું ત્રીજું કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ આધારકાર્ડ કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓને વિનંતી કરું છું કે લોકોના પ્રશ્નોને સમજી તેને ઉકેલવામાં મદદરૂપ થાય.
આવતીકાલની ચિંતામાં આજે લાઈનો ન લગાવીએ: રૂપાલા
પેટ્રોલ અને ડીઝલની અછત અંગે તેમણે જણાવ્યું કે, ગઈકાલે એક એવો કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો કે, બહારથી આવેલા મુસાફરો ડીઝલ ન મળતા અટકી પડ્યા હતા. સ્થાનિક તંત્રએ તેમની મદદ કરીને જવાની સુવિધા કરી આપી હતી. રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે રાજકોટમાં માત્ર 40 ટકા જ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. માટે નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે વર્તમાન પરિસ્થિતિમાં આવતીકાલે શું થશે તેવા ભયને કારણે લોકો અકળામણથી લાઈનો લગાવવામાં ન જોડાઈએ. પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેનો સંયમપૂર્વક ઉપયોગ કરીએ તેવી એક નમ્ર અપીલ છે.
આધાર સેવા કેન્દ્ર અઠવાડિયામાં સાતેય દિવસ લોકો માટે ખુલ્લું
શહેરના ઢેબર રોડ ઉપર શ્રમજીવી કોમ્યુનિટી હોલની બાજુમાં પ્રગતિ પ્લાઝા ખાતે આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે. જે દરરોજ ચાલુ રહેશે એટલે કે સોમવારથી રવિવાર સુધી કાર્યરત રહેશે, જેમાં એક પણ દિવસની રજા નહીં હોય. આ કેન્દ્ર દરરોજ સવારે 9.30થી સાંજે 5.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેમાં બપોરે 1.30થી 2 વાગ્યા સુધી રિશેષ રહેશે.