ગુજરાત સરકારમાં સાત મહિનામાં ૧૦ આઇએએસ અને ચાર આઇપીએસ ઓફિસરો વયનિવૃત્ત થશે. નિવૃત્ત થનારા આ ઓફિસરોમાં રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને પોલીસના ઉચ્ચ અધિકારી રાકેશ અસ્થાનાનો સમાવેશ થાય છે.હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમને આપવામાં આવેલા બીજા એક્સટેન્શનનો સમય ઓગષ્ટ મહિનામાં પૂર્ણ થાય છે. તેઓ ઓગષ્ટ ૨૦૨૦માં નિવૃત્ત થવાના હતા પરંતુ રાજ્યની ભલામણ પ્રમાણે તેમને બે વખત છ-છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું છે. તેમની નિવૃત્તિ પછી ૧લી સપ્ટેમ્બરે ગુજરાતને નવા ચીફ સેક્રેટરી મળશે.૨૦૨૧ના વર્ષમાં હવે પછી જે ઓફિસરો નિવૃત્ત થવાના છે તેમાં દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા જેપી ગુપ્તા (ડિસેમ્બર) તેમજ ડો.વી થીરૂપુગ્ગાઝ (જૂન) વયનિવૃત્ત થશે.એ ઉપરાંત આરજે હાલાની અને આરકે પટેલ (ઓગષ્ટ), આઇકે પટેલ અને આરઆર રાવલ (જૂન), એવી કાલરિયા અને જીએચ ખાન (સપ્ટેમ્બર), વીએમ મેકવાન (ડિસેમ્બર)નો સમાવેશ થાય છે.ગુજરાતમાં આઇએએસ ઓફિસરોની ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ ૩૧૩ છે જેની સામે અત્યારે ૨૧૮ ઓફિસરો ફરજ બજાવે છે જે પૈકી ૪૦ ટકા ઓફિસરો ડેપ્યુટેશન પર વિવિધ જગ્યાએ ગયેલા છે. ભારતીય સેવાના અધિકારીઓને ડેપ્યુટેશનનો લાભ મળતો હોવાથી સિનિયર ઓફિસરો સામાન્ય રીતે દિલ્હીમાં પોસ્ટીંગ લઇ રહ્યાં હોવાથી ગુજરાતના વહીવટી તંત્રમાં આઇએએસની ઘટ સર્જાયેલી રહે છે.