ગુજરાતના અલગ-અલગ ઝોનમાં 180 દિવસ સુધી ભ્રમણ કરીને એકતા અને સંગઠનનો સંદેશો ફેલાવશે મા ખોડલના રથ: બનાસકાંઠા, વલસાડ અને દાહોદથી થશે પ્રથમ તબક્કાની શરૂઆત
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ 19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાનારા ભવ્ય ‘શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવ’ના ગામડે-ગામડે જઈને આમંત્રણ પાઠવવા માટે મા ખોડલના ત્રણ વિશેષ રથ તૈયાર કરવામાં આવ્યા છે.
રાજકોટ સ્થિત સરદાર પટેલ ભવન ખાતેથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના વરદ હસ્તે અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે આ ત્રણેય રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દિવ્ય પ્રસંગે ખોડલધામ મહિલા સમિતિની બહેનો દ્વારા આકર્ષક રંગોળીઓ અને ફૂલોનું સુશોભન કરવામાં આવ્યું હતું અને મા ખોડલની આરતી તથા પૂજન બાદ ઢોલ-નગારાના નાદ સાથે રથને રવાના કરાયા હતા.
આ રથ પરિભ્રમણ અંતર્ગત ગુજરાતના ચારેય ઝોન (ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ)માં લેઉવા પટેલ સમાજની વસતી ધરાવતા 3500થી વધુ ગામો અને શહેરોની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે. અંદાજિત 180 દિવસથી વધુ સમય સુધી ચાલનારા આ પરિભ્રમણમાં પ્રથમ તબક્કે એક રથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં, બીજો રથ દક્ષિણ ગુજરાતના વલસાડમાં અને ત્રીજો રથ મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં જઈને ભ્રમણની શરૂઆત કરશે. એલઈડી ટીવી અને સાઉન્ડ સિસ્ટમથી સજ્જ આ રથોનું ગામે-ગામ ભવ્ય સ્વાગત, તોરણો-રંગોળી, મહાઆરતી અને સમૂહ ભોજન જેવા ધાર્મિક આયોજનો થશે.
રથ પ્રસ્થાન પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે વર્ષ 2017ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, લોકો એકજૂટ થઈને સાથે રહે તે ખૂબ જરૂરી છે અને આ રથ ભ્રમણથી સમગ્ર ગુજરાતમાં વિશેષ માહોલ ઊભો થશે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે, આ રથ માત્ર ફરતો નથી પરંતુ વિચારોનું સંવર્ધન કરીને એકતા અને સામૂહિકતાનો સંદેશ લઈને જઈ રહ્યો છે. આ તકે સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચીને મહોત્સવનું આમંત્રણ પાઠવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રમેશભાઈ ટીલાળાએ પણ મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા આહવાન કર્યું હતું.
આગામી જાન્યુઆરી 2027માં યોજાનારા ત્રિ-દિવસીય દશાબ્દી મહોત્સવ દરમિયાન 1008 કુંડી મહાયજ્ઞ, ભવ્ય શોભાયાત્રા, સાંસ્કૃતિક લોક ડાયરો, પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ભાઈઓ-બહેનોનો મહારાસ, અન્નકૂટ દર્શન અને મહાઆરતી જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્ણાહૂતિ વિરાટ ધર્મસભા અને ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના સમાજ જોગ સંદેશ સાથે થશે. રથ પ્રસ્થાનના આ અવસરે ખોડલધામ પરિવારના ટ્રસ્ટીઓ, સામાજિક અગ્રણીઓ, ક્ધવીનરો અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
