
દુનિયાભરમાં ફરવાના શોખીન ભારતીય પ્રવાસીઓ માટે થાઇલેન્ડ હંમેશાંથી સૌથી લોકપ્રિય, સસ્તું અને મનપસંદ પર્યટન સ્થળ રહ્યું છે. દર વર્ષે લાખો ભારતીયો વેકેશન મનાવવા માટે બેંગકોક, ફૂકેટ અને પટાયા જેવા સુંદર શહેરોની મુલાકાત લે છે. પરંતુ, જો તમે પણ આગામી દિવસોમાં થાઇલેન્ડ જવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
થાઇલેન્ડ સરકારે તેના પ્રવેશ અને વિઝા નિયમોમાં એક બહુ મોટો અને આંચકાજનક ફેરફાર કર્યો છે, જેની સીધી અસર ભારતીય પ્રવાસીઓ પર પડવાની છે.
થાઇલેન્ડે ભારત સહિત વિશ્વના ૯૩ દેશો અને પ્રદેશો માટે લાગુ કરવામાં આવેલી ‘૬૦ દિવસની વિઝા-ફ્રી’ (Visa-Free) યોજનાને સત્તાવાર રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. થાઇલેન્ડ પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે કે, વિઝા કેટેગરીને વધુ સરળ, સ્પષ્ટ અને સુવ્યવસ્થિત કરવા માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. હવે આ આખો દેશ “વન કન્ટ્રી, વન વિઝા પ્રિવિલેજ” (One Country, One Visa Privilege) એટલે કે ‘એક દેશ, એક વિઝા વિશેષાધિકાર’ ના નવા સિદ્ધાંત પર કામ કરશે. આ નવી વ્યવસ્થા હેઠળ દરેક વિદેશી દેશ માટે માત્ર એક જ પ્રકારની વિઝા સુવિધા લાગુ રહેશે.
થાઇલેન્ડના વિદેશ મંત્રાલય હેઠળના કોન્સ્યુલર બાબતોના વિભાગના જણાવ્યા અનુસાર, દેશના મંત્રીમંડળે ૧૯ મે, ૨૦૨૬ ના રોજ આ સુધારેલા વિઝા-ફ્રી અને ‘વિઝા-ઓન-અરાઇવલ’ (Visa on Arrival) નિયમોને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. સરકારના આ અણધાર્યા નિર્ણયથી પ્રવાસીઓ હવે પોતાની યાત્રાનું આયોજન કેવી રીતે કરશે, તેના પર મોટી અસર જોવા મળશે.
શું છે ‘એક દેશ, એક વિઝા વિશેષાધિકાર’ નો નવો સિદ્ધાંત?
થાઇલેન્ડ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી આ સુધારેલી વિઝા સિસ્ટમ એક તદ્દન નવા માર્ગદર્શક સિદ્ધાંત પર આધારિત છે. જેને સત્તાવાર રીતે “એક દેશ, એક થાઈ વિઝા મુક્તિ વિશેષાધિકાર” નામ આપવામાં આવ્યું છે. આ નવી નીતિ લાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે વિદેશથી આવતા તમામ મુલાકાતીઓ માટે વિઝાના ધોરણો એકદમ સ્પષ્ટ, પારદર્શક અને સુસંગત બને. અગાઉ અલગ-અલગ દેશો માટે રાખવામાં આવેલી અટપટી અને બહુવિધ વિઝા વ્યવસ્થાઓને કારણે ઘણી મૂંઝવણો ઊભી થતી હતી, જેને હવે આ નવા સિદ્ધાંત હેઠળ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે.
નવા નિયમો હેઠળ શું-શું બદલાયું? મુખ્ય ફેરફારો પર એક નજર
થાઇલેન્ડના પ્રવાસન મંત્રાલય અને ઇમિગ્રેશન વિભાગ દ્વારા જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તેનાથી આખી વિઝા પ્રક્રિયા બદલાઈ ગઈ છે. આ અંતર્ગત થયેલા મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:
૬૦ દિવસની વિઝા-ફ્રી વ્યવસ્થા રદ: ભારત સહિતના દેશો માટે ચાલતી ૬૦ દિવસની વિઝા મુક્ત એન્ટ્રીની યોજના હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
નિયમોમાં કાપ: તમામ પાત્ર રાષ્ટ્રો માટેની ૬૦-દિવસની વિઝા મુક્તિ યોજના (ફોર ૬૦) ના સમયગાળા અને સુવિધાઓમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે.
દેશોની યાદીમાં ફેરફાર: અગાઉ જે ૫૭ દેશોને ૩૦ દિવસની વિઝા મુક્તિનો લાભ મળતો હતો, તે દેશોની સંખ્યા હવે ઘટાડીને ૫૪ કરી દેવામાં આવી છે.
નવી કેટેગરીની શરૂઆત: માત્ર ત્રણ ચોક્કસ દેશો માટે એક નવી ‘૧૫-દિવસની વિઝા ફ્રી’ કેટેગરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
વિઝા ઓન અરાઇવલ (VOA) માં મોટો કાપ: અત્યાર સુધી વિશ્વના ૩૧ દેશોના નાગરિકોને થાઇલેન્ડ પહોંચ્યા પછી એરપોર્ટ પર જ વિઝા (VOA) મળતા હતા, પરંતુ હવે આ સૂચિને ભારે કાપ સાથે ઘટાડીને માત્ર ૪ દેશો પૂરતી જ મર્યાદિત કરી દેવામાં આવી છે.
ક્યારે અમલમાં આવશે?: આ તમામ નવા અને કડક નિયમો થાઇલેન્ડના સત્તાવાર સરકારી અખબાર ‘રોયલ ગેઝેટ’ માં પ્રકાશિત થયાના બરાબર ૧૫ દિવસ પછી સમગ્ર દેશના તમામ એરપોર્ટ અને સરહદો પર સત્તાવાર રીતે અમલમાં આવી જશે.
આખરે શા માટે થાઇલેન્ડે ૬૦ દિવસની વિઝા-ફ્રી યોજના બંધ કરવી પડી?
અહીં એ જાણવું જરૂરી છે કે થાઇલેન્ડે આ ૬૦-દિવસની વિઝા ફ્રી યોજનાની શરૂઆત કેમ કરી હતી અને હવે કેમ બંધ કરવી પડી. વાસ્તવમાં, વૈશ્વિક મહામારી બાદ દેશના પડી ભાંગેલા પ્રવાસન ઉદ્યોગને ફરીથી બેઠો કરવા, પ્રવાસીઓને આકર્ષવા અને આર્થિક પુનઃપ્રાપ્તિને ટેકો આપવા માટે પ્રારંભિક તબક્કે આ ઉદાર નીતિ રજૂ કરવામાં આવી હતી. આ યોજના સુપરહિટ રહી અને લાખો લોકો થાઇલેન્ડ ફરવા ગયા.
પરંતુ, સમય જતાં આ સુવિધાના કારણે થાઇલેન્ડ સરકાર સામે ઘણી નવી અને ગંભીર સમસ્યાઓ આવીને ઊભી રહી ગઈ. વિઝા ફ્રી એન્ટ્રીનો દુરુપયોગ કરીને ઘણા વિદેશી નાગરિકો ત્યાં ગેરકાયદેસર રોજગાર (Illegal Employment) મેળવવા લાગ્યા. આ ઉપરાંત, રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ, ટેક્સ ચોરી માટે ખોટા નામે ચાલતા નામાંકિત વ્યવસાયો (Nominee Businesses) અને આંતરરાષ્ટ્રીય ગુનાખોરી સંબંધિત ચિંતાઓ અચાનક ખૂબ વધી ગઈ.
થાઇલેન્ડના પર્યટન અને રમતગમત મંત્રી, સુરાસાક ફંચારોએનવોરાકુલે અગાઉ જ આ સંકેત આપી દીધા હતા કે તેમનો દેશ આ ઉદાર વિઝા નીતિની ગંભીરતાથી સમીક્ષા કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર હવે માત્ર મુલાકાતીઓની સંખ્યા વધારવા પાછળ દોડવા નથી માંગતી, પરંતુ દેશને આર્થિક લાભ થાય અને સુરક્ષા પણ જળવાય તે રીતે ‘ગુણવત્તાવાળા પ્રવાસીઓ’ (Quality Tourists) ને આકર્ષવા પર વધુ ભાર મૂકી રહી છે.
ભારતીય પ્રવાસીઓ માટે હવે શું બદલાશે? કેવી રીતે મળશે એન્ટ્રી?
ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સંબંધો હંમેશાં મજબૂત રહ્યા છે. ભારતીય પ્રવાસીઓના મોટા ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને જ થાઇલેન્ડ સરકારે જુલાઈ ૨૦૨૪ માં ભારતીયો માટે ૬૦ દિવસની વિઝા-ફ્રી સુવિધાની જાહેરાત કરી હતી. આ સુવિધાના કારણે ભારતીય મધ્યમવર્ગ માટે થાઇલેન્ડમાં લાંબુ વેકેશન ગાળવું ખૂબ જ સરળ અને સસ્તું બની ગયું હતું, કારણ કે વિઝા ફી અને લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળી ગઈ હતી.
પરંતુ હવે નવા નિયમોના કારણે પાસા પલટાઈ ગયા છે. ભારતને આ પ્રીમિયમ વિઝા-ફ્રી લિસ્ટમાંથી હટાવીને ફરીથી જૂની ‘વિઝા ઓન અરાઇવલ’ (VOA) કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આનો સીધો અર્થ એ થયો કે હવે કોઈપણ ભારતીય પ્રવાસી વિઝા વગર થાઇલેન્ડમાં સીધો પ્રવેશ મેળવી શકશે નહીં. હવે તમારે થાઇલેન્ડના એરપોર્ટ પર ઉતરીને નિર્ધારિત વિઝા ફી ચૂકવવી પડશે, જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે અને વિઝા ઓન અરાઇવલની લાંબી લાઇનમાં ઊભા રહીને વિઝા મેળવ્યા બાદ જ દેશમાં પ્રવેશ મળશે. આ ફેરફારથી પ્રવાસીઓના બજેટ અને સમય બંને પર અસર પડશે, તેથી હવે આગામી દિવસોમાં થાઇલેન્ડની ટિકિટ બુક કરાવતા પહેલાં પ્રવાસીઓએ આ નવા નિયમોને ખાસ ધ્યાનમાં રાખવા પડશે.