74 વર્ષીય વૃદ્ધાના 25 કરોડ પડાવવા ગઈ ને FBIએ ઝડપી, કૌભાંડનો મુખ્ય હેન્ડલર ગુજરાતમાં રહેતો “ફેમિલી ફ્રેન્ડ”

Spread the love

અમેરિકામાં વૃદ્ધોને નિશાન બનાવી કરોડો ડોલરનું કૌભાંડ આચરતી આંતરરાષ્ટ્રીય સ્કેમર ગેંગની કુરિયર તરીકે કામ કરતી 30 વર્ષીય ગુજરાતી મહિલાની FBIએ ધરપકડ કરી છે. ગ્રીન કાર્ડ ધરાવતી આ મહિલા પર યુએસ માર્શલનો ખોટો સ્વાંગ રચીને એક વૃદ્ધા પાસેથી 3 મિલિયન ડોલર (આશરે 25 કરોડ)થી વધુની કિંમતનું સોનું પડાવવાનો અને અન્ય 15 જેટલી છેતરપિંડીની ડિલિવરીમાં સામેલ હોવાનો ગંભીર આરોપ છે.

સોનાના સિક્કા કલેક્ટ કરવા આવી ને ગુજરાતી મહિલા ઝડપાઈ

 

આ કૌભાંડનો ભોગ બનેલી ઇન્ડિયાનાની એક 74 વર્ષીય વૃદ્ધાના કમ્પ્યુટર પર ‘આઇડેન્ટિટી ચોરી’ થઈ હોવાની નકલી પોપ-અપ ચેતવણી આવી હતી. સ્કેમર્સે સરકારી અધિકારી બનીને તે વૃદ્ધાને તેની રૂ. 25 કરોડ (3 મિલિયન)થી વધુની બચત સુરક્ષિત કરવા માટે સોનામાં બદલી દેવા મનાવી લીધી હતી. જોકે, સોનાની એક મોટી ખરીદી વખતે સિક્કાના વેપારીને શંકા જતાં તેણે તુરંત FBIને એલર્ટ કર્યા હતા. ત્યારબાદ એજન્ટોએ ઇન્ડિયાનાના ફ્રેન્કલિનમાં એક દારૂની દુકાન બહાર સ્ટિંગ ઓપરેશન ગોઠવીને સોનાના સિક્કા કલેક્ટ કરવા આવેલી આ ગુજરાતી મહિલાને રંગેહાથ ઝડપી લીધી હતી.

 

ગુજરાતમાં બેઠો મુખ્ય સૂત્રધાર અમેરિકામાં કરોડોનું કૌભાંડ કરાવતો

 

પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ કબૂલાત કરી છે કે તે અમેરિકા બહારથી ચાલતા એક મોટા છેતરપિંડી નેટવર્ક માટે કામ કરતી હતી. આ આખા કૌભાંડનો મુખ્ય હેન્ડલર ગુજરાતમાં રહેતો તેનો એક “ફેમિલી ફ્રેન્ડ” છે, જેની સૂચનાઓ પર જ તે ઇન્ડિયાના, ઇલિનોઇસ અને વિસ્કોન્સિન જેવા રાજ્યોમાં કુરિયર તરીકે ડિલિવરી કરતી હતી. 2020માં ભારતથી અમેરિકા ગયેલી આ મહિલાના મોબાઈલમાંથી ભોગ બનેલા અન્ય વૃદ્ધોના ફોટા, રૂટ મેપ અને છેતરપિંડીના પિકઅપની વિગતો મળી આવી છે. આ ગેરકાયદેસર કામો માટે તેણે અંદાજે 10,000 ડોલર (આશરે 8.3 લાખ) કમાવ્યા હોવાનો દાવો કર્યો છે. મહિલા હાલમાં જોહ્ન્સન કાઉન્ટી જેલમાં 5,00,000 ડોલરના કેશ બોન્ડ પર બંધ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *