મોરબી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 શ્રદ્ધાળુઓના મોત, અન્ય 2 ઇજાગ્રસ્ત

Spread the love

મોરબી હાઈવે પર એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દીવ અને ઊના પંથકના શ્રદ્ધાળુઓ જ્યારે માતાના મઢે દર્શન કરીને ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળમુખો ટ્રક તેમની ખુશીઓને આંચકી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારના ભુક્કા બોલી ગયા હતા અને ચાર પરિવારોમાં કાયમી અંધારું છવાઈ ગયું છે.

મોરબી-માળિયા હાઈવે પર આવેલ હરીપર ગામ નજીક આજે એક અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એક બેકાબૂ ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં ઇકો કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ, આ તમામ મુસાફરો દીવથી કચ્છના પ્રખ્યાત ધાર્મિક સ્થળ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન માળિયાના હરીપર પાટિયા પાસે કાળ ભાળી ગયેલી ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો તીવ્ર હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર બેઠેલા લોકો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.

સ્થાનિક રાહદારીઓ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ થયેલા બંને લોકોને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ મૃતકો ઊના અને દીવ પંથકના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી છે, અને તેમના પરિવારોને આ દુઃખદ ઘટના અંગે જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પવિત્ર યાત્રાએથી પરત ફરતા પરિવારો પર ત્રાટકેલી આ આફતને કારણે સમગ્ર ઊના અને દીવ પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *