અમદાવાદ
ગુજરાતમાં અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. અમદાવાદમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને અસહ્ય બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા ગુજરાતીઓ માટે હવામાન વિભાગે એક મોટા અને રાહત આપનારા સમાચાર આપ્યા છે. આગામી 3 દિવસ પછી એટલે કે 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે.
ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને લોકોને દઝાડતી ગરમીમાંથી મોટી રાહત મળશે.
ક્યારે અને ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, 30 મેથી 1 જૂન સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.
30 મે: સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વાતાવરણ પલટાશે અને વરસાદ પડશે.
31 મે: આ ત્રણ જિલ્લાઓની સાથે-સાથે દાહોદ અને પંચમહાલમાં પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે.
1 જૂન: આ દિવસે વરસાદનું જોર વધશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડા જેવા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. આ કમોસમી વરસાદથી વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી જશે.
જોકે, અચાનક વાતાવરણ પલટાવાની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારથી જ અરવલ્લી અને બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે કમોસમી વરસાદ તેમના પાકને નુકસાન પહોંચાડી શકે છે.
હાલ ગરમીથી લોકોની હાલત કફોડી
હાલ તો ગુજરાતમાં ગરમીએ માઝા મૂકી છે. રાજ્યના 7 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદ 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મે મહિનાની આકરી ગરમી અને અસહ્ય ઉકળાટના કારણે લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. રાત્રે પણ પવન સાવ બંધ રહેતો હોવાથી (ઝાડનું એક પાંદડું પણ નથી હલતું) લોકોને પંખા લઈને ઘરની બહાર બેસવાનો વારો આવ્યો છે. કાળઝાળ ગરમીથી ઘરો જાણે ‘તપેલા’ની જેમ તપી રહ્યા છે અને એસીની અસર પણ નહિવત થઈ ગઈ હોય તેવું લાગે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ભેજવાળા પવનોને કારણે અકળામણ એટલી વધી ગઈ છે કે સિનિયર સિટીઝન્સના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે અને હાર્ટ ફેલ થવાનો ડર સતાવી રહ્યો છે. જોકે, હજુ આગામી 4 દિવસ લોકોને આવી જ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડશે, પણ ત્યારબાદ વરસાદ આવતા જ ગરમીથી છુટકારો મળશે.
