Russia ની કિવ પર જોરદાર હુમલાની ધમકી, વિદેશી નાગરિકોને તાત્કાલિક શહેર છોડવાની સલાહ

Spread the love
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક અને વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. મંગળવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ (Kyiv) માં આવેલા તમામ લશ્કરી અને સંરક્ષણ માળખાઓ પર “સતત અને વ્યવસ્થિત હુમલા” કરવાની ખુલ્લી ધમકી આપી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા રશિયાએ કિવમાં રહેતા તમામ વિદેશી નાગરિકો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજદ્વારી મિશન (Diplomatic Missions) ના કર્મચારીઓને શક્ય તેટલી વહેલી તકે કિવ શહેર છોડી દેવા માટે કડક એડવાઇઝરી જારી કરી છે.

યુક્રેનના સ્ટારોબિલ્સ્ક વિસ્તારમાં ડ્રોન હુમલો

 

મીડિયા રિપોર્ટના અહેવાલ અનુસાર યુક્રેનના સ્ટારોબિલ્સ્ક (Starobilsk) વિસ્તારમાં તાજેતરમાં જ એક ભયંકર ડ્રોન હુમલો થયો હતો, જેમાં ૧૮ લોકોના મોત નીપજ્યા હતા અને ૪૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રશિયાએ આ ઘટનાને નાગરિકો પરનો આતંકવાદી હુમલો ગણાવીને તેના બદલા સ્વરૂપે આ નવી સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે.

 

કિવમાં નાટોના નિષ્ણાતોની લેવાઇ રહી છે મદદ

 

રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુક્રેનની સેના કિવની અંદર નાટો (NATO) ના નિષ્ણાતોની મદદથી ડ્રોનનું ડિઝાઇનિંગ, પ્રોડક્શન અને પ્રોગ્રામિંગ કરી રહી છે. આ નાટો નિષ્ણાતો યુક્રેનને જાસૂસી ડેટા અને ટાર્ગેટ આઇડેન્ટિફિકેશન સંબંધિત ગુપ્ત માહિતી પૂરી પાડે છે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે કિવમાં ફેલાયેલી આવી તમામ લશ્કરી અને વહીવટી ઇમારતોને નેસ્તનાબૂદ કરશે. રશિયાએ કિવના સ્થાનિક રહેવાસીઓને પણ ચેતવણી આપી છે કે તેઓ ઝેલેન્સકી સરકારની સૈન્ય સુવિધાઓની નજીક જવાનું ટાળે, કારણ કે આ સ્થળો ગમે ત્યારે રશિયન મિસાઇલોનું નિશાન બની શકે છે.

 

હજુ પણ હુમલા થવાની શક્યતા

 

દરમિયાન, આ ભયંકર તણાવ વચ્ચે એક મોટો રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે સામેથી ફોન કરીને અમેરિકાના નવા સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (Marco Rubio) સાથે હાઈ-લેવલ વાતચીત કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે આ હાઈ-પ્રોફાઈલ વાતચીતની પુષ્ટિ કરી છે. લવરોવે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, રશિયન પ્રદેશો અને નિર્દોષ વસ્તી પર કિવ શાસન દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના જવાબમાં રશિયાએ કિવ પર આયોજિત અને ભીષણ હુમલા કરવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. આ કટોકટીભરી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો અને ઈરાનની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ગંભીર ચર્ચા થઈ હતી. આ આદેશ બાદ સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે કે કિવ પર આગામી કલાકોમાં મોટો હુમલો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *