બંગાળમાં ‘ડિટેક્ટ-ડિલીટ-ડિપોર્ટ’ ઓપરેશન શરૂ, CM સુવેન્દુની ચેતવણી બાદ ભારત છોડીને ભાગ્યા સેંકડો બાંગ્લાદેશીઓ

Spread the love

પશ્ચિમ બંગાળમાં નવી ભાજપ સરકારની ‘ડિટેક્ટ-ડીલીટ-ડિપોર્ટ’ એટલે કે શોધો, હટાવો અને દેશનિકાલ કરો ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ રણનીતિ અંતર્ગત ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સખત કાર્યવાહી શરૂ થતાં જ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે.

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની ચેતવણી

 

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કલ્યાણીમાં એક બેઠક બાદ કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, “જલ્દી જલ્દી ભાગી જાવ, નહીંતર સરકારે જે કરવાનું છે તે કરશે.” તેમણે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, કસ્ટડીમાં લેવામાં આવેલા ઘૂસણખોરોને વહેલી તકે બાંગ્લાદેશ પરત મોકલવામાં આવે.

પરત ફરતા લોકોની બોર્ડર પર લાંબી કતારો

 

સરકારની આ કડક કાર્યવાહી બાદ મંગળવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના બિથારી-હાકીમપુર બોર્ડર પર સેંકડો બાંગ્લાદેશી પુરુષો, મહિલાઓ અને બાળકો કોઈપણ દસ્તાવેજ વિના પોતાના દેશ પરત ફરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. સ્વરૂપનગર વિસ્તાર પાસે બોર્ડર ક્રોસિંગ તરફ જઈ રહેલા આ લોકોને BSF જવાનોએ અટકાવ્યા છે અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને સોંપવાની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

 

“કાયદો પહેલાથી જ અસ્તિત્વમાં હતો, પરંતુ કેટલાક લોકોએ પોતાના રાજકીય સ્વાર્થ ખાતર તેનો અમલ થવા દીધો ન હતો. અમે દેશ અને રાજ્યના હિતમાં આ કાયદો લાગુ કરી રહ્યા છીએ.” — CM સુવેન્દુ અધિકારી

 

સ્વેચ્છાએ પરત ફરી રહ્યા છે સેંકડો ઘૂસણખોરો

 

નવી સરકારના નિર્દેશ બાદ સોમવારના રોજ માલદા અને મુર્શિદાબાદમાં ગેરકાયદેસર ઘૂસણખોરો માટે બે નવા હોલ્ડિંગ સેન્ટર્સ (Holding Centers) શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં પહેલા જ દિવસે 12 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શિફ્ટ કરાયા હતા. હોલ્ડિંગ સેન્ટરમાં જવાના ડરથી ઘણા બાંગ્લાદેશીઓએ સ્વેચ્છાએ જ ભારત છોડવાનો નિર્ણય લીધો છે.

 

ખુલનાની રહેવાસી તકલીમા ખાતૂન, સતખીરાના શાહીદુલ ગાઝી અને જેસોરના મોહમ્મદ અલી શેખ જેવા લોકોએ જણાવ્યું કે, તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં આવીને વર્ષોથી કામ કરતા હતા. પરંતુ હવે નવી સરકારના નિર્દેશ બાદ તેઓ જાતે જ પાછા ફરી રહ્યા છે કારણ કે તેઓ હોલ્ડિંગ સેન્ટરમાં જવા માંગતા નથી.

કોર્ટની જરૂર નથી, સીધા BSF ને સોંપાશે

 

CM સુવેન્દુ અધિકારીએ કાયદાકીય પ્રક્રિયા અંગે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને અદાલતમાં મોકલવાની કોઈ જરૂર નથી. પોલીસ સીધા જ તેમને BSF ને સોંપી શકે છે. ભારત-બાંગ્લાદેશ કરાર હેઠળ, BSF તેમની પૂછપરછ, ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ લીધા બાદ BGB નો સંપર્ક કરીને તેમની વાપસી સુનિશ્ચિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *