એક સમયે અબજોના માલિક હતા બાયજુના માલિક, હવે સિંગાપોરમાં 6 મહિનાની જેલ સજા મળી

Spread the love

ભારતની પ્રથમ એડટેક કંપની બાયજુ (Byju’s)ના સ્થાપક રવિન્દ્રનની મુશ્કેલીઓ વધી રહી છે. તેમને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમને 70,500 ડૉલર (67,48,524 રૂપિયા)નો દંડ પણ ભરવો પડશે. સિંગાપોરની કોર્ટે બાયજુના સ્થાપક રવિન્દ્રનને તાત્કાલિક સરન્ડર થવાનો આદેશ આપ્યો છે. ચાલો સમજી લઈએ કે આખરે આ મામલો છે શું? બાયજુના સ્થાપકને જેલની સજા કેમ ફટકારવામાં આવી ? સિંગાપોરમાં ભારતીય અબજોપતિ સામે કયો કેસ ચાલી રહ્યો છે ?

એડટેક ક્ષેત્રે એક સમયે દિગ્ગજ ગણાતી કંપની બાયજુ હાલમાં નાદારીનો સામનો કરી રહી છે. કંપનીના સ્થાપક રવિન્દ્રન સંઘર્ષ કરી રહ્યા છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, સિંગાપોરની એક કોર્ટે બાયજુ કંપનીના સ્થાપક રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા ફટકારી છે અને તાત્કાલિક શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેમને અવમાનનાનો દોષી ઠેરવ્યા છે અને તેમને 6 મહિનાની જેલની સજા ફટકારી છે અને સાથે જ ખુબ મોટો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, રવિન્દ્રને 2024થી તેમની સંપત્તિ સંબંધિત માહિતી છુપાવી હતી અને દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળ રહ્યા હતા. વારંવાર કોર્ટના આદેશો છતાં તેમણે કોર્ટનો અનાદર કરવાનું ચાલુ રાખ્યું. કોર્ટે તેમને તાત્કાલિક સરન્ડર કરવા, 70,500 ડૉલરનો દંડ ભરવા અને બીઅર ઇન્વેસ્ટકો પ્રાઇવેટ લિમિટેડમાં તેમની ભાગીદારીને સાબિત કરતા તમામ દસ્તાવેજો સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો.

 

થિંક એન્ડ લર્ન પ્રા. લિ.ના સ્થાપક રવિન્દ્રન પહેલાથી જ અનેક કાનૂની કેસોમાં ફસાયેલા છે. તેઓ US કોર્ટમાં 1.2 અરબ ડૉલરના મુકદ્દમાનો સામનો કરી રહ્યા છે. તેની સાથે, સિંગાપોરની એક કોર્ટે તેમને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. કતારની સરકારી માલિકીની કંપની, QIAની પેટાકંપનીએ સિંગાપોરમાં બાયજુ સામે દાવો દાખલ કર્યો હતો. કતાર સરકારે સિંગાપોરમાં રવિન્દ્રન સામે કાનૂની લડાઈ શરૂ કરી હતી. કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA)ની પેટાકંપની, કતાર હોલ્ડિંગ્સે બાયજુની કંપનીમાં રોકાણ કર્યું હતું. કંપનીએ નાણાકીય અનિયમિતતાઓનો આરોપ લગાવીને દાવો દાખલ કર્યો હતો.

બાયજુ રવિન્દ્રનને એક સમયે દેશના સૌથી ધનિક શિક્ષકોમાંના એક માનવામાં આવતા હતા. તેમણે શૈક્ષણિક ટેકનોલોજી કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી. તેમની કંપની, બાયજુ’સમાં વૈશ્વિક કંપનીઓએ રોકાણ કર્યું. એક સમયે, બાયજુ ટીમ ઇન્ડિયાના સત્તાવાર પ્રાયોજક હતા. બાયજુ રવિન્દ્રનની કુલ સંપત્તિ રૂ. 17,545 કરોડ સુધી પહોંચી ગઈ હતી. બાયજુનું મૂલ્યાંકન 22 અરબ ડૉલરને વટાવી ગયું, પરંતુ ખોટી નીતિઓ, આક્રમક વિસ્તરણ, નાણાકીય ગેરવહીવટ અને વિદેશી રોકાણકારો સાથે વધતા વિવાદોને કારણે, કંપનીને ખુબ મોટું નુકસાન થયું અને તેની સાથે રવિન્દ્રનની સંપત્તિ શૂન્ય થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *