ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનારો મુખ્ય આરોપી તથ્ય પટેલ જેલમુક્ત થશે

Spread the love
અમદાવાદના ચકચારી અને કાળજું કંપાવી દેનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને સુપ્રીમ કોર્ટમાંથી સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યરાત્રિએ લક્ઝુરિયસ જેગુઆર કાર બેફામ દોડાવીને નિર્દોષ 9 લોકોનો ભોગ લેનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ હવે જેલની બહાર આવશે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે લાંબી કાનૂની લડત બાદ આજે તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરી દીધા છે.

તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર ચઢાવી

 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટોળે વળેલા લોકો પર તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર ચઢાવી દીધી હતી, જેમાં પોલીસકર્મીઓ સહિત 9 આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ તથ્ય પટેલ સાબરમતી જેલમાં બંધ હતો.

 

ન્યાયને લઈને ચર્ચાઓ જાગી

 

ગુજરાત હાઈકોર્ટમાંથી અગાઉ ઘણી વખત જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ આરોપી પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. હવે પોણા ત્રણ વર્ષ જેટલા લાંબા સમય બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપતાં તથ્ય પટેલ જેલમુક્ત થશે. આ ચુકાદાને પગલે અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારોમાં ફરી એકવાર ન્યાયને લઈને ચર્ચાઓ જાગી છે.

 

29 જેટલા મહત્વના સાક્ષીઓની તપાસ પૂર્ણ

 

ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે, જેના પગલે તે લગભગ પોણા ત્રણ વર્ષ બાદ સાબરમતી જેલમાંથી બહાર આવશે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં તથ્ય પટેલના વકીલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલો કરી હતી કે કેસના કુલ 191 સાક્ષીઓ પૈકી અકસ્માત નજરે જોનારા આશરે 29 જેટલા મહત્વના સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીના સાક્ષીઓની તપાસ હજુ બાકી છે.

 

તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન સસ્પેન્ડ

 

અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 સાક્ષીઓ તપાસવા માટે ખાસ સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. જો કે, જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તથ્ય પટેલ સામાન્ય જીવન જીવી શકશે નહીં. અમદાવાદ ટ્રાફિક પોલીસની કડક ભલામણના આધારે સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન (જીવનભર માટે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ કાયમી પ્રતિબંધના કારણે તથ્ય પટેલ હવે ભારતમાં કાયદેસર રીતે ક્યારેય કોઈ પણ વાહન ચલાવી શકશે નહીં.

 

7 જ દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ

 

આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પોલીસે ઘટનાના માત્ર 7 જ દિવસમાં 1684 પાનાની કાયદાકીય કલમોથી સજ્જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં તથ્ય સામે IPC ની કલમ 279, 337, 338, 304, 308 સહિત મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તથ્ય સામે સૌથી ગંભીર ગણાતી IPCની કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) લગાવવામાં આવી છે, જેમાં દોષિત ઠરવા પર મહત્તમ 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *