સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી સંબંધોના મોહભંગ અને માનવતાને નેવે મુકતી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અસહ્ય ગરમી અને ગરીબીના કારણે એક લાચાર પત્નીએ પોતાના જ પતિના મૃતદેહને કોઈ સંબંધી ન આવતા અને લાશ કોહવાઈ જવાના કારણે ઝૂંપડાની સામે જ ધાબળો ઓઢાડીને સળગાવી દીધો હતો. આ ભયાનક વાસ્તવિકતા વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ડી-માર્ટ પાછળના એક ખુલ્લા પ્લોટમાં સામે આવી છે, જ્યાં આ ગરીબ પરિવાર ઝૂંપડું બાંધીને રહેતો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ ડભોઈ તાલુકાના બહેરામપુરા ગામના વતની મહેશભાઈ રાઠોડીયા (આધેડ વય) વડોદરાના વાઘોડિયા રોડ પર ડી-માર્ટ પાછળ ખુલ્લા પ્લોટમાં ઝૂંપડું બનાવીને પત્ની જશોદાબેન સાથે રહેતા હતા. આ પરિવાર ભંગાર વીણીને અને તેને વેચીને માંડ-માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો. મહેશભાઈને દારૂ પીવાની લત હતી. છેલ્લા થોડા દિવસોથી પડી રહેલી અસહ્ય અને કાળઝાળ ગરમી તેમજ દારૂના ભારે વ્યસનના કારણે મહેશભાઈનું અચાનક કરુણ મોત નીપજ્યું હતું. પતિના અવસાનથી પત્ની જશોદાબેન પર આભ તૂટી પડ્યું હતું.
પતિના મૃત્યુ બાદ પત્ની જશોદાબેને એકલા હોવાના કારણે તાત્કાલિક પોતાના સગા-સંબંધીઓ અને પરિચિતોને આ અંગે ફોન કરીને જાણ કરી હતી અને તેઓ આવે તેની આતુરતાથી રાહ જોઈને બેસી રહી હતી. જશોદાબેન આખો દિવસ અને મોડી રાત સુધી કાળઝાળ ગરમીમાં પતિના મૃતદેહ પાસે બેસીને રડતી રહી, પરંતુ કોઈ પણ સંબંધી તેની વહારે આવ્યું નહીં. બીજી તરફ, મે મહિનાની ભયાનક ગરમીના કારણે મહેશભાઈનો મૃતદેહ કોહવાઈ રહ્યો હતો. થોડી જ વારમાં મૃતદેહમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગી હતી અને મૃતદેહના મોંમાંથી કીડા અને જીવડાં બહાર નીકળતા દેખાયા હતા.
પોતાના પતિના શવની આવી ભયાનક સ્થિતિ અને મોંમાંથી નીકળતા કીડા જોઈને એકલી અટૂલી જશોદાબેન સખત ગભરાઈ ગઈ હતી અને લાચારીની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. મધ્યરાત્રિ થઈ ગઈ હોવા છતાં કોઈ મદદ ન મળતા અને બીજો કોઈ વિકલ્પ ન દેખાતા, તેણે કોઈની પણ સલાહ લીધા વિના એક ચોંકાવનારો નિર્ણય લીધો. જશોદાબેને પોતાના ઝૂંપડાની સામે જ પતિના કોહવાઈ રહેલા મૃતદેહ પર ધાબળો ઓઢાડી આક્રંદ સાથે મૃતદેહને આંગ ચાંપી દીધી હતી.
આ ભયાનક રાત વીત્યા બાદ બીજા દિવસે સવારે, મૃતક મહેશભાઈના માતા લક્ષ્મીબેન અને તેમની ભત્રીજી વિદ્યા સહિતના કેટલાક સંબંધીઓ આખરે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જો કે, ત્યાં આવીને તેમણે જે દ્રશ્ય જોયું તેનાથી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પ્લોટમાં મહેશભાઈનો મૃતદેહ આંશિક રીતે બળેલી અને અત્યંત વિકૃત હાલતમાં પડ્યો હતો. સંબંધીઓએ આ મામલે વિલંબ કર્યા વિના તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે માનવતા દાખવીને હિન્દુ ધાર્મિક વિધિઓ અનુસાર મૃતકના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. હાલમાં પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ સમાજની સંવેદનશીલતા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
