સુરતમાં ત્રણ કલાકના સસ્પેન્સ પછી મુળ સૌરાષ્ટ્રના માયાબેન માવાણી મેયર : ચાર મહાપાલિકામાં મહિલાને તક

Spread the love
 ગત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં હાલના છ તથા 9 નવી મહાપાલિકાની યોજાયેલી ચુંટણીમાં આજે ભાજપે બીજા તબકકામાં સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, વાપી, સાણંદ, કરમસદ, મહાપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરી છે.

જેમાં સુરતમાં ભાજપના બે દિગ્ગજ નેતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જૂથો વચ્ચે જબરી ખેચતાણ હોવાના સંકેત બાદ મુળ સૌરાષ્ટ્રના જ પાટીદાર મહિલા કોર્પોરેટર માયાબેન માયાણી મેયર બન્યા છે.

જયારે ડે.મેયર પદે સુધાકર ચૌધરી, સ્ટેન્ડીંગ ચેરમેનપદે રાજન પટેલ, શાસક પક્ષના નેતા પદે અલ્પાબેન મહેતા અને દંડક પદે ઉર્મીલાબેન ત્રિપાઠીને જવાબદારી સોંપાઈ છે.

 

રસપ્રદ બાબત એ છે કે છેલ્લા મેયર પણ સૌરાષ્ટ્રના દક્ષેશ મેવાણી જ હતા. સુરતમાં આજે તમામ બાકી મહાનગરોમાં સૌથી છેલ્લે આ મહાનગરના નામ જાહેર થયા. સુરતમાં પાંચ પદોમાં ત્રણ મહિલાને મળ્યા છે.

 

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. જયારે ડેપ્યુટી મેયર તરીકે આદીત્ય પટેલની પસંદગી કરવામાં આવી છે.

 

આ સાથે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછીનું નામ જાહેર કર્યુ છે તેમજ દંડક તરીકે વિજય ચૌહાણની વરણી કરવામાં આવી છે.

 

આ ઉપરાંત નગરપાલિકામાંથી મહાપાલિકા બનેલી વાપી તથા આણંદ-કરમસદ મહાપાલિકાના મેયરની પણ જાહેરાત થઈ છે. વાપી મનપા મેયર તરીકે દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ, કારોબારી અધ્યક્ષ સતીશ પટેલ, દંડક સુનીતાબેન તિવારી અને પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલની નિમણુંક થઈ છે.

 

આણંદ-કરમસદ મનપાના પ્રથમ મેયર પદે દિપીકાબેન પટેલની સર્વ સંમતિથી નિમણુંક કરવામાં આવી છે. ડે.મેયરના પદે કમલેશ ડાભી, કારોબારી સમીતીના ચેરમેન તરીકે મયુર સુથારની નિયુક્તિ થઈ છે.

 

સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના ત્રણ સભ્ય સુરેન્દ્રનગર મનપાના પ્રથમ મેયર એસ.સી. સામાન્ય બેસવાના છે. ત્યારે મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન તરીકે નીખીલ ચાંપાનેરી, દંડક તરીકે સ્વાતીબેન માંડલિયા અને પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણીયાની સતાવાર જાહેરાત થઈ ગઈ છે.

 

રસપ્રદ વાત તો એ છે કે, ભાજપના યુવા નેતા સ્વ. મૃગેશ રાઠોડના ભાઈ રાકેશ કાનજીભાઈ રાઠોડ, રાજેન્દ્ર પ્રભુદાસભાઈ રાઠોડ અને ગજેન્દ્ર વિરજીભાઈ રાઠોડ ત્રણ સદસ્ય ચુંટાયા છે ત્યારે આમ તો ત્રણેયના પરિવાર અને સદસ્યો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે.

 

સૌરાષ્ટ્રમાં ભાવનગર મહાપાલિકાના નવા મેયર તરીકે ઉષાબેન તલરેજાને પસંદ કરાયા છે. જયારે ડે.મેયરપદે અશોક બારૈયા, સ્ટેન્ડીંગ ચેરમેન પદે કિશન મહેતા તથા શાસક પક્ષના નેતા તરીકે લાલભા મનુભા વાળા અને દંડક તરીકે દિપા માંગુકીયાને જવાબદારી અપાઈ છે.

 

આમ રાજન તમામ મહાનગરપાલિકા-જીલ્લા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓએ સતા સંભાળી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *