ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓને હચમચાવી મૂકે તેવા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીરમાં અત્યંત ઘાતક એવા CDV (Canine Distemper Virus) ના શંકાસ્પદ પ્રકોપને કારણે સિંહોના સતત થઈ રહેલા મોતથી વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરથી પીસીસીએફ (PCCF) જયપાલસિંહે સત્તાવાર રીતે ગીરમાં અત્યાર સુધી કુલ 7 સિંહોના મોતની પુષ્ટિ કરી છે, જેના કારણે વન્યજીવ સૃષ્ટિમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
સારવાર દરમિયાન સિંહોએ દમ તોડ્યો
મળતી સત્તાવાર વિગતો મુજબ, ગીરપશ્ચિમની બાબરીયા રેન્જમાંથી એક નર અને એક માદા સિંહને અત્યંત શંકાસ્પદ અને બિમાર હાલતમાં અનુક્રમે 19 અને 21 મેના રોજ રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બંને વનરાજોને તાત્કાલિક એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સઘન મેડિકલ ટ્રીટમેન્ટ છતાં બંનેએ દમ તોડી દીધો હતો. આ સિવાય જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પણ વધુ એક સિંહનું મોત થતાં વન વિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે
.સાવચેતીના પગલાં રૂપે વન વિભાગે આસપાસના વિસ્તારોમાંથી અન્ય 10 સિંહોને પણ તાત્કાલિક રેસ્ક્યૂ કરીને ખાસ ઓબ્ઝર્વેશન હેઠળ આઇસોલેટ કર્યા છે. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ આ તમામ 10 સિંહોની સ્થિતિ સ્થિર અને ખતરાની બહાર છે. પરંતુ સૌથી મોટો ડર એ છે કે CDV એક અત્યંત ચેપી વાયરસ હોવાથી તે સિંહોના આખા ગૃપ (Pride) માં ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.
ઉચ્ચ અધિકારીઓનો કાફલો ગીરમાં દોડ્યો
ગીરના જંગલમાં બાબરીયા, જામવાળા અને જસાધાર રેન્જના સિંહોમાં આ શંકાસ્પદ લક્ષણો જોવા મળતા મામલો મુખ્યમંત્રી કક્ષાએ પહોંચ્યો હતો. ગાંધીનગરમાં સીએમની તાકીદની બેઠક બાદ પીસીસીએફ (PCCF) અને સીસીએફ (CCF) સહિતની ઉચ્ચ અધિકારીઓની ટાસ્ક ફોર્સ ટીમ તાત્કાલિક ગીર દોડી ગઈ છે. વન તંત્રે ગીરના અનુભવી મેડિકલ અને ફિલ્ડ સ્ટાફને તૈનાત કર્યો છે, જેમાં એક ACF, પાંચ RFO અને અગિયાર ફોરેસ્ટરને ખાસ રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ અને પેટ્રોલિંગની જવાબદારી સોંપાઈ છે. જસાધાર બોર્ડર અને ગીર પશ્ચિમના જંગલોમાં સઘન સ્કેનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
બબેસિયા રોગનો દાવો કે ઘાતક CDV Virus?
શરૂઆતમાં વન વિભાગ તરફથી આ મોત પાછળ ઇન્ફેક્શનલાવતા ‘બબેસિયા’ (Babesiosis) નામના પરોપજીવી રોગનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે બબેસિયા રોગ ચેપી નથી હોતો, જ્યારે CDV હવા અને લાળના સંપર્કથી ખૂબ જ ઝડપથી ફેલાતો વાયરસ છે જે અગાઉ પણ ગીરના સિંહો માટે કાળ સાબિત થઈ ચૂક્યો છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વન વિભાગ હવે સિંહોના તાત્કાલિક વેક્સિનેશન (રસીકરણ) અભિયાન પર પણ વિશેષ ભાર મૂકી રહ્યું છે. હાલમાં તમામ મૃત સિંહોના સેમ્પલ લેબોરેટરી રિપોર્ટ માટે મોકલાયા છે અને આખા દેશની નજર આ આખરી રિપોર્ટ પર ટકેલી છે.
