ઈરાન-અમેરિકા યુદ્ધ: સીઝફાયર વચ્ચે ભડકો, ઈરાને ૨ કલાકમાં કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ પર બોમ્બ વર્ષા કરી
ગાઝા અને લેબનાન બાદ હવે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં સ્થિતિ વધુ વણસી ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા લાંબા તણાવે હવે એક નવું અને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. સત્તાવાર યુદ્ધવિરામ (સીઝફાયર) હોવા છતાં, ગુરુવારે વહેલી સવારે અમેરિકી સેનાએ ઈરાનના બંદર અબ્બાસ નજીક એક ડ્રોન લોન્ચર પર મોટો હુમલો કર્યો હતો.
ઈરાને આ કાર્યવાહીને યુદ્ધવિરામનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવીને માત્ર બે જ કલાકની અંદર પલટવાર કર્યો છે. ઈરાને પાડોશી દેશ કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકને નિશાન બનાવીને જોરદાર બોમ્બમારો કર્યો છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
બંદર અબ્બાસ પર અમેરિકી હુમલો અને ઈરાનનો પલટવાર
અહેવાલો અનુસાર, આ સમગ્ર વિવાદ ગુરુવારે ઈરાની સમય મુજબ સવારે ૪:૫૦ વાગ્યે શરૂ થયો હતો. અમેરિકી વાયુસેનાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા બંદર અબ્બાસ ક્ષેત્રમાં સ્થિત એક ડ્રોન લોન્ચર ઠેકાણા પર અચાનક બોમ્બમારો કર્યો. આ હુમલામાં ઈરાનને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે.
આ હુમલાથી ગુસ્સે ભરાયેલા ઈરાને બિલકુલ સમય ગુમાવ્યા વિના માત્ર ૨ કલાકની અંદર વળતો પ્રહાર કર્યો. ઈરાનની શક્તિશાળી સૈન્ય પાંખ ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ’ (IRGC) એ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, તેમણે કુવૈતમાં આવેલા અમેરિકાના પ્રખ્યાત ‘અલ સલેમ એરબેઝ’ પર ઉપરાઉપરી મિસાઈલો અને બોમ્બ વરસાવ્યા છે. આ એરબેઝ અમેરિકી સેનાનું મુખ્ય મથક માનવામાં આવે છે.
કુવૈતમાં હાઈ એલર્ટ: એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય
ઈરાન દ્વારા કુવૈતની ધરતી પર આવેલા અમેરિકી બેઝને નિશાન બનાવવામાં આવતા જ કુવૈત પ્રશાસન અને સેના એક્શન મોડમાં આવી ગયા છે. કુવૈત આર્મીના જણાવ્યા અનુસાર, અલ સલેમ એરબેઝ અને તેની આસપાસના વિસ્તારોમાં એર ડિફેન્સ સિસ્ટમને તાત્કાલિક અસરથી સક્રિય કરી દેવામાં આવી છે, જેથી ઈરાન તરફથી આવતા અન્ય કોઈ પણ હુમલાને હવામાં જ તોડી પાડી શકાય.
આ સાથે જ કુવૈત સરકારે દેશમાં કટોકટી જેવી સ્થિતિને જોતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે તમામ નાગરિકોને સુરક્ષાના કડક નિયમોનું પાલન કરવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ કરી છે. ઈરાનના આ પગલાથી હવે કુવૈત પણ આ યુદ્ધની આગમાં હોમાય તેવી આશંકાઓ સેવાઈ રહી છે.
શાંતિ વાટાઘાટો વચ્ચે અચાનક કેમ ભડકી આગ?
સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે બંને દેશો વચ્ચે બધું શાંત હતું, તો અચાનક આટલો મોટો હુમલો કેમ થયો? વાસ્તવમાં, ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબી ખેંચતાણ બાદ આ વર્ષે એપ્રિલ મહિનામાં સત્તાવાર રીતે સીઝફાયર (યુદ્ધવિરામ)ની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ બંને પક્ષો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે વાટાઘાટો ચાલી રહી હતી.
આ અઠવાડિયે જ શાંતિ કરારનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ઈરાનનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ કુવૈત ગયું હતું. આખી દુનિયાને આશા હતી કે હવે આ વિવાદનો અંત આવશે, પરંતુ બરાબર એ જ સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં એક કેબિનેટ મીટિંગ બોલાવી અને ત્યાંથી આખો મામલો પલટાઈ ગયો.
યુરેનિયમનો વિવાદ અને ટ્રમ્પનું અલ્ટીમેટમ
કેબિનેટ બેઠક પૂરી થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં કડક વલણ અપનાવતા જાહેરાત કરી કે, અમેરિકાને કોઈપણ સંજોગોમાં ઈરાન પાસેથી ‘સંવર્ધિત યુરેનિયમ’ (Enriched Uranium) નો જથ્થો જોઈએ જ. ટ્રમ્પના આ આક્રમક વલણ સામે ઈરાને સ્પષ્ટ ના પાડી દીધી. ઈરાનનું કહેવું છે કે તે પોતાના પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના જથ્થાને લઈને અમેરિકાની દાદાગીરી સામે નહીં નમે. આ વૈચારિક અને રાજદ્વારી ગજગ્રાહ એટલો વધી ગયો કે વાત ટેબલ ટોકમાંથી સીધી યુદ્ધના મેદાન સુધી પહોંચી ગઈ અને અમેરિકાએ બંદર અબ્બાસ પર હુમલો કરી દીધો.
અમેરિકાનો દાવો: “અમે રક્ષણાત્મક સૈન્ય કાર્યવાહી કરી છે”
બીજી તરફ, આ હુમલા અંગે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસ ‘એક્સિયોસ’ (Axios) દ્વારા એક અલગ જ દાવો કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, બંદર અબ્બાસ નજીકથી એક અમેરિકી વ્યાપારી જહાજ (Commercial Cargo Ship) પસાર થઈ રહ્યું હતું. આ જહાજની સુરક્ષાની જવાબદારી અમેરિકી નૌસેના પાસે હતી.
અમેરિકાનો આરોપ છે કે ઈરાને આ વ્યાપારી જહાજને નિશાન બનાવીને તેના પર ૪ આત્મઘાતી ડ્રોન લોન્ચ કર્યા હતા. અમેરિકી સૈન્યએ સમયસૂચકતા વાપરીને હવામાં જ એ ચારેય ડ્રોનને તોડી પાડ્યા અને ત્યારબાદ જે લોન્ચિંગ પેડ પરથી આ ડ્રોન છોડવામાં આવ્યા હતા, તે લોન્ચરને બોમ્બમારો કરીને નષ્ટ કરી દીધું. અમેરિકાએ આ હુમલાને યુદ્ધની શરૂઆત નહીં પરંતુ આક્રમણ સામે પોતાની ‘રક્ષણાત્મક કાર્યવાહી’ (Defensive Action) ગણાવી છે.
તકનો લાભ લઈને ઈઝરાયેલના લેબનાન પર જોરદાર હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચેની આ સીધી અથડામણનો ફાયદો ઉઠાવીને ઈઝરાયેલે પણ મોરચો ખોલી દીધો છે. જેવો ગુરુવારે સવારે ઈરાન અને અમેરિકા વચ્ચે હુમલો થયો, તેના ગણતરીના કલાકોમાં ઈઝરાયેલી સેનાએ લેબનાન પર ભયાનક એરસ્ટ્રાઈક શરૂ કરી દીધી છે. ઈઝરાયેલના ફાઈટર જેટ્સ લેબનાનમાં સક્રિય આતંકી સંગઠન ‘હિઝબુલ્લાહ’ના ઠેકાણાઓ, હથિયારોના ડેપો અને કમાન્ડ સેન્ટરો પર સતત બોમ્બમારો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હજુ બુધવારે જ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સેનાને લેબનાન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો કરવાની લેખિત મંજૂરી આપી દીધી હતી, જેનો અમલ ગુરુવારે સવારથી જ શરૂ થઈ ગયો છે.
‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ અને મહાયુદ્ધનો ખતરો
લેબનાન એ ઈઝરાયેલનો પાડોશી દેશ છે અને તેના દક્ષિણ ભાગ પર સંપૂર્ણપણે હિઝબુલ્લાહનું નિયંત્રણ છે. હિઝબુલ્લાહ એ ઈરાન પ્રેરિત ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ (Axis of Resistance) નો એક મુખ્ય અને સૌથી મજબૂત હિસ્સો છે. આ ગઠબંધનનું નેતૃત્વ સીધું ઈરાન કરે છે, જેમાં યમનના હુથી બળવાખોરો, સીરિયા અને ગાઝાનું હમાસ પણ સામેલ છે.
હવે જ્યારે અમેરિકાએ સીધું ઈરાન પર અને ઈઝરાયેલે લેબનાન પર હુમલા શરૂ કર્યા છે, ત્યારે મિડલ ઈસ્ટમાં એક એવી સ્થિતિ સર્જાઈ છે જ્યાં આગામી દિવસોમાં ત્રીજા વિશ્વયુદ્ધ (World War 3) જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો હાલ પૂરતા નિષ્ફળ સાબિત થયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
