દાહોદમાં રૂ. 1.46 કરોડની આંગડિયા લૂંટનો મોટો ભેદ ઉકેલાયો, રૂ. 1.35 કરોડ રોકડ સાથે 4 આરોપી ઝડપાયા

Spread the love
દાહોદમાં ચાર દિવસ અગાઉ APMC માર્કેટના વેરહાઉસ પાસે બનેલી રૂ. 1.46 કરોડની આંગડિયા લૂંટનો પોલીસે મોટો ભેદ ઉકેલ્યો છે. બે બાઈક પર આવેલા છ બુકાનીધારી લૂંટારૂઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂ. 1.41 કરોડની રોકડ અને અંદાજે રૂ. 5 લાખના સોનાના દાગીના લૂંટી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા.

લૂંટની ઘટનાની જાણ થતાં જ DYSP જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ LCB, SOG, એ-ડિવિઝન તથા ગ્રામ્ય પોલીસની ટીમો અલગ-અલગ દિશામાં તપાસમાં લાગી ગઈ હતી.

ફિલ્મી ઢબે પીછો કરતાં જાલત નજીક રેલવે ગરનાળા પાસે એક બાઈક પર સવાર ત્રણ લૂંટારૂઓએ પોલીસની ગાડીને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ નાળામાં ખાબકતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને પોલીસે તેમને ઝડપી લીધા હતા. અન્ય બાઈક પર સવાર ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

 

ઇજાગ્રસ્ત આરોપીઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત લૂંટ માટે રેકી કરીને મદદ કરનાર બે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂ. 1.35 કરોડની રોકડ રકમ રિકવર કરવામાં આવી છે.

 

મળતી માહિતી મુજબ, આંગડિયા પેઢીના કર્મચારીઓ રાજુભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ સોલંકી મોપેડ પર રોકડ અને સોનાના દાગીના લઈને ગોધરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે અતુલ મહેશ ભુરીયા, પરમેશ્વર પલાસ, ગોવિંદ મોહનીયા, અવિશલ પલાસ, જીગ્નેશ હઠીલા અને અર્જુન આમલીયાર સહિતના લૂંટારૂઓએ તેમને રોકી પાર્સલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીઓએ પ્રતિકાર કરતાં લૂંટારૂઓએ લાકડીઓ વડે હુમલો કરી રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હતો.

 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ લાંબા સમયથી APMC વેરહાઉસ અને આંગડિયા પેઢીની રેકી કરી હતી. લૂંટને અંજામ આપવા માટે વિવિધ સ્થળોએ ગોઠવાઈ કર્મચારીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. અલ્પેશ વરસિંગ પાંદા અને ધરમભાઈ વિક્રમભાઈ પલાસે પણ રેકી અને આયોજનમાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે.

 

પોલીસે અત્યાર સુધીમાં રૂ. 1.35 કરોડની રકમ રિકવર કરી છે. જ્યારે ફરાર ત્રણ આરોપીઓ અને તેમને મદદ કરનાર અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. બાકીની રકમ અને મુદ્દામાલની વસૂલાત માટે પોલીસની અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી છે.

 

બોક્સ: લૂંટમાં સામેલ ત્રણ આરોપી હિસ્ટ્રીશીટર

 

આંગડિયા લૂંટમાં સામેલ પરમેશ્વર પલાસ, અતુલ મહેશ ભુરીયા અને અર્જુન નટવરલાલ આમલીયાર અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓને આશરો આપનાર અથવા મદદ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. બાકીના આરોપીઓ અને બાકી રહેલા મુદ્દામાલની શોધ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *