ACB દ્વારા ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન ઓફિસર એ.બી.ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સોલાર પેનલની એનઓસી (NOC) આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવીને દબોચી લીધો હતો. આ અટકાયત બાદ અધિકારીના ઘર અને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ તેમજ દાગીના મળી આવ્યા છે.
ગાંધીનગરના લાંચિયા ક્લાસ-1 અધિકારી પાસેથી સુરત અને ગાંધીનગરમાંથી રૂ. 2.64 કરોડની મત્તા મળી આવી છે. અને અધિકારીની સ્વિફ્ટ કારમાંથી 5 લાખ અને તેના ઘરેથી 1.76 કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ક્લાસ-1 અધિકારીએ માત્ર એક જ અઠવાડિયામાં સોલાર પેનલની 100 જેટલી ફાઇલો ધડાધડ ક્લિયર કરી છે.
ક્લાસ વન ઓફિસર 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
એક અરજદાર પાસેથી સોલાર પેનલની મંજૂરી (NOC) મેળવવાના મામલે ક્લાસ વન ઓફિસર એ.બી.ચૌધરીએ મોટી રકમની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ મળતા જ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં અધિકારી 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી જ આ 5 લાખની રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી.
સ્થળ તપાસ કર્યા વિના NOC ઈશ્યુ કરીને લાંચ મેળવતો
ACB નિયામક ભારતી પંડ્યાએ જણાવ્યું હતું કે, ACB ફીલ્ડ-3ના પી.આઈ. પી. એન. ખોખરાને એક બાતમી મળી હતી કે, ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનની કચેરીમાં કામ કરતાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી છે. તે સોલાર પ્રોજેક્ટમાં સ્થળ તપાસ નહીં કરી(તપાસ જરૂરી હોવા છતાં સ્થળ) અને સ્થળ તપાસ કર્યા વિના NOC ઈશ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે. આ અંગે બાતમી મળી હતી અને આ જે પૈસા છે, તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં રોજે ઘરે લઈ જાય છે, તેવી બાતમી મળી હતી.
1.76 કરોડ રોકડા અને 2.64 કરોડની મત્તા ઘર-ગાડીમાંથી મળી
પંડ્યાએ વધુમાં કહ્યું કે, ત્યારબાદ ફીલ્ડ-3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં આરોપી અશ્વિન ચૌધરી વોચમાં હતાં. અને તપાસ કરતાં ચૌધરીની ગાડીમાંથી રૂ. 5.51 લાખની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવ્યા હતાં. ત્યારબાદ અશ્વિન બી. ચૌધરીની પૂછપરછમાં ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના-ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળી હતી.
બાતમીના આધારે ક્લાસ વન અધિકારી ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ રૂ.1.76 કરોડની રોકડ રકમ અને રૂ. 88.82 લાખની અંદાજિત કિંમતના સોના-ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવ્યા હતાં. આમ કુલ રૂ.2.64 કરોડની મત્તા આરોપીના ઘર અને તેની ગાડીના સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યું હતું.કંપની અને અરજદાર સાથે ડીલ પ્રમાણે લાંચ લેવામાં આવતી હતી. અરજી આવે નિયમ પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી કરવાની બદલે નિયમો તોડી મંજૂરી અપાતી હતી. જોકે નક્શાનો ડિટેલ અભ્યાસ કરવાના બદલે વિગતવાર ચકાસણી કર્યાં વિના અને સ્થળ તપાસ કર્યા વગર જ મંજૂરી આપતા હતાં.
‘લાંચ આપનાર કંપની સામે પણ કડક પગલાં લેવામાં આવશે’
ACB નિયામકે વધુમાં કહ્યું કે, અશ્વિન ચૌધરી આ જગ્યાએ આશરે ચારેક વર્ષથી કામ કરતા હતો.
આરોપી અધિકારી પત્ની અને બે બાળકો સાથે પરિવાર રહે છે, જેમની પાસે ગાંધીનગરમાં સરકારી આવાસ અને સુરતમાં પોતાનું મકાન હોવાની વિગતો મળી હતી. હાલમાં એસીબી દ્વારા તેમના ઘરેથી રોકડા કેશ, સોના-ચાંદીના દાગીના તેમજ અન્ય મિલકતો અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાંચ આપનાર કંપની સામે પણ કડક પગલાં લેવામાં આવશે.
આમાં અન્ય સ્ટાફ અને અન્ય કોઈ ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
બેંક ખાતા, પરિવારની મિલકતોની પણ તપાસ થશે આગળની તપાસમાં અશ્વિન ચૌધરીના બેંક ખાતાઓની, કુટુંબીજનના મિલકતોની માહિતી અને તેના લોકરોની માહિતી મેળવવામાં આવશે. તેને પણ અગાઉ આ પ્રકારની જે ફાઈલો ક્લિયર કરી છે, તે ફાઈલો મેળવીને તેની ઉપર કાર્યવાહી કરાશે. અને તેને કોઈ સત્તાનો દુરુપયોગ કર્યો છે કે કેમ, તે અંગે પણ તપાસ આગળ કરવામાં આવશે.
આ અંગે પી. એન. ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને FIR નોંધાવી છે. આગળની તપાસ છે તે ગાંધીનગરના પો.ઈન્સ. મયુરધ્વજસિંહ સરવૈયા કરી રહ્યા છે. અને આ પ્રકારની કોઈપણ માહિતી કોઈપણ પ્રજાજનને મળી આવે તો તેઓને એસીબીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે.
વાંચો પોલીસ તથા ફાયરના અધિકારીઓના લાંચના કલંકીત કેસ
ઉદ્યોગ ભવનના કલાસ-2 અધિકારીએ ફાયર NOC માટે 5 લાખની લાંચ માગી હતી
ગત 18 મે, 2026ના રોજ ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે કરજ બજાવતા વર્ગ-2ના ઉચ્ચ અધિકારી અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ બાંધકામ પ્રોજેક્ટના ફાયર એન.ઓ.સી. અને સર્ટિફિકેટ માન્ય રાખવાના અવેજ પેટે રૂ. 5 લાખની મસમોટી લાંચ માંગતા એસીબીના સકંજામાં આવ્યો હતો.
સ્ટેટ IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાયો હતો
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં 15 માર્ચે ACBએ ગોઠવેલા છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની
ટીમે તેમને દબોચી લીધો હતો 1 માર્ચે ખંભાતમાં PSI પંકજ પટેલ 30 હજારની લાંચ લેતા ઝડપાયો હતો
1 માર્ચ, 2026ના રોજ ખંભાતમાં એન્ટી કરપ્શન બ્યુરો-ACBએ લાલ દરવાજા પોલીસ ચોકીના PSI પંકજ પરસોત્તમભાઈ પટેલને ₹30,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી અશાંતધારા હેઠળની મિલકત ટ્રાન્સફર અરજીઓના નિકાલ માટે કરવામાં આવી હતી.એક અરજદારે અશાંતધારા હેઠળ મિલકત ટ્રાન્સફર સંબંધિત બે અલગ-અલગ અરજીઓ કરી હતી. આ અરજીઓ પર હકારાત્મક અભિપ્રાય આપવા માટે PSI પંકજ પટેલે દરેક અરજી દીઠ ₹20,000 લેખે કુલ 40,000ની માંગણી કરી હતી.
15 ડિસે.એ CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા હતા
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી ડિસેમ્બરમાં કીમમાં હનીટ્રેપના ગુનામાં રૂ. 3 લાખ લેતો PI ઝડપાયો
18 ડિસેમ્બર, 2025ના રોજ સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનનો પીઆઈ પ્રવિણસિંહ જાડેજા 3 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. સુરતના કીમ પોલીસ મથકની હદમાં એક મહિના અગાઉ હનીટ્રેપની ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં ત્રણ શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી બે વેપારી પાસેથી 13લાખ રૂપિયા પડાવ્યા હતા
