
સરકાર કેમ બદલવા માંગે છે નિયમો: સરકાર દ્વારા રચવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિએ ટોલ મુક્તિના નિયમોની સમીક્ષા કરી હતી. સમિતિએ સૂચન આપ્યું છે કે નેશનલ હાઈવે ફીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે અને કેટલીક શ્રેણીઓને આ યાદીમાંથી હટાવી દેવામાં આવે. સરકારનું માનવું છે કે ટોલ મુક્તિનો વ્યાપ ઓછો કરવાથી સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે અને સામાન્ય લોકોમાં વીઆઈપી કલ્ચરને લઈને રહેલી નારાજગી પણ ઓછી થશે.
સરકારી અધિકારીઓની મુક્તિ બંધ થશે: અહેવાલો અનુસાર આ ફેરફારની શરૂઆત સરકારી અધિકારીઓના વાહનોથી થઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયેલા વાહનોની ટોલ મુક્તિ નાબૂદ કરવા પર ચર્ચા ચાલી રહી છે. સરકારનો મુખ્ય ફોકસ એ દર્શાવવાનો છે કે નિયમો બધા માટે સમાન હોય. જો કે, આ અંગે હજુ આખરી નિર્ણય લેવાનો બાકી છે.
આ નવો વિકલ્પ લાગુ થશે: સરકારે તાજેતરમાં જ ‘ફાસ્ટેગ એન્યુઅલ પાસ’ (FASTag Annual Pass) શરૂ કર્યો છે. આ પાસની કિંમત 3075 રૂપિયા છે અને તેનાથી એક વાહન 200 વખત ટોલ પ્લાઝા પસાર કરી શકે છે, એટલે કે એક વખતનો સરેરાશ ખર્ચ માત્ર 15 રૂપિયા જેટલો થાય છે. સરકારી કર્મચારીઓને આ જ પાસનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેની રકમ પાછળથી તેમનો વિભાગ તેમને રિફંડ કરી દેશે.
હાલમાં કયા વાહનોને મળે છે મુક્તિ: અત્યારે દેશમાં ૨૫ જેટલા મહત્વના પદો સાથે જોડાયેલા લોકોના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે છે. આ સિવાય સંરક્ષણ દળો, અર્ધલશ્કરી દળો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, હાઈવે ઇન્સ્પેક્શન ટીમ અને શવ વહન કરતા વાહનોને આ મુક્તિ આપવામાં આવે છે. આ વાહનોને એક્ઝેમ્પટેડ ફાસ્ટેગ (Exempted FASTag) જારી કરવામાં આવે છે, પરંતુ ટોલ ન આપવાનો હોવા છતાં પણ પ્લાઝા પરથી પસાર થતી વખતે તેમના વાહન પર માન્ય ફાસ્ટેગ હોવું અનિવાર્ય છે.