ગાંધીનગરના અડાલજમાં અન્નપૂર્ણા સર્કલ નજીક માણેકબા સ્કૂલ પાસે એક યુવાનને રીક્ષામાં બેસાડીને ચાલુ રીક્ષામાં 10 હજાર લૂંટી લેવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે મુસાફરોની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉભા થયા છે.ત્યારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વેપારી સરગાસણ જવા રિક્ષામાં બેઠા હતા
ઝુંડાલમાં હિલ્લોક હોટલની બાજુમાં દેવનારાયણ કિરાણા સ્ટોર ખાતે રહેતા મૂળ રાજસ્થાનના ભગવાનલાલ ગુર્જરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. 30 મે,2026ના રોજ તેઓ સરગાસણ ખાતે ભંગારના કામકાજ માટે ઘરેથી નીકળ્યા હતા.બાદમાં તેઓ અડાલજ ગામ તરફના રસ્તા પર અન્નપૂર્ણા સર્કલ નજીક રીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.ત્યારે ઝુંડાલ તરફથી એક સીએનજી રીક્ષા આવીને તેમની પાસે ઉભી રહી હતી.રીક્ષા ચાલકે તેમને ક્યાં જવું છે તેવું પૂછતા તેમણે સરગાસણ જવાનું જણાવતા ચાલકે હા પાડી હતી.
રિક્ષા બેસેલા અન્ય વ્યક્તિએ ધમકાવીને 10 હજાર પડાવ્યા
જે રીક્ષામાં પાછળની સીટ પર પહેલેથી જ એક અજાણ્યો વ્યક્તિ બેઠેલો હતો.રીક્ષા અન્નપૂર્ણા સર્કલથી થોડે આગળ માણેકબા સ્કૂલ નજીક પહોંચી ત્યારે પાછળ બેઠેલા શખસે ભગવાનલાલને તેમની પાસે જે હોય તે આપી દેવા ધમકી આપી હતી.ત્યારબાદ લૂંટારૂઓએ બળજબરીથી તેમના પેન્ટના ખિસ્સામાંથી 10 હજાર રુપિયા રોકડા કાઢી લીધા હતા.આ લૂંટને અંજામ આપ્યા બાદ થોડે આગળ જઈને રીક્ષા ચાલક અને તેના સાથીએ ભગવાનલાલને રસ્તામાં ઉતારી દીધા હતા.અને પોતાની રીક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.
બે શખસ સામે ફરિયાદ નોંધાઈ
આ ઘટનાથી ગભરાયેલા ભગવાનલાલ પોતાના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ બાબતે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર રીક્ષા ચાલક આશરે 40થી 45 વર્ષનો હતો,જ્યારે પાછળ બેઠેલો શખસ આશરે 30થી 35 વર્ષનો હતો.હાલ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ કરી રહી છે.
