પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે ખજાનો ખુલ્યો: DA વધારો અને બાકી ચૂકવણી મંજૂર

Spread the love
ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવનારા બાકી રહેલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના નાણાં વિભાગે 2 જૂન, 2026ના રોજ આ અંગે ઠરાવ જાહેર કરતાં કર્મચારીઓને વધારેલા દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાની મંજૂરી આપી છે. સાથે જ અગાઉના સમયગાળાના બાકી એરિયર્સ પણ તબક્કાવાર ચૂકવવામાં આવશે.
મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ જૂન-2026ના પગાર સાથે મળશે
સરકારના નિર્ણય મુજબ પાંચમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને 1 જુલાઈ 2022થી 396 ટકા, 1 જાન્યુઆરી 2023થી 412 ટકા, 1 જુલાઈ 2023થી 427 ટકા અને 1 જાન્યુઆરી 2024થી 443 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. વધારેલા દરનો લાભ કર્મચારીઓને જૂન-2026ના પગાર સાથે મળશે.
જુલાઈ 2021 થી જાન્યુઆરી 2024 સુધીના તફાવતની રકમ ચૂકવાશે
મહત્વની બાબત એ છે કે, 1 જુલાઈ, 2021થી 1 જાન્યુઆરી 2024 સુધીના સમયગાળામાં મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ કર્મચારીઓને હપ્તાવાર ચૂકવવામાં આવશે. જેના કારણે લાંબા સમયથી વધારાની રાહ જોતા કર્મચારીઓને આર્થિક રીતે મોટી રાહત મળશે.
સરકારના નિર્ણયથી હજારો કર્મચારીઓને લાભઆ નિર્ણયનો લાભ માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ સુધી મર્યાદિત નહીં રહે. પંચાયત સેવા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ વધારેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.
સરકારના આ નિર્ણયથી પાંચમા પગાર પંચ હેઠળના હજારો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાના દરોને મંજૂરી મળતા કર્મચારીઓની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *