ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂર્ણ: દુકાનોનો માલિકી હક આપવા સરકારનો નિર્ણય

Spread the love

ગાંધીનગર શહેરની સ્થાપના માટે પોતાની જમીનો આપનારા અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈને ફાળવાયેલી દુકાનોના માલિકી હક આપવા હુકમો જારી કર્યા છે. આ નિર્ણયથી વર્ષોથી દુકાનોનો ઉપયોગ કરી રહેલા પરંતુ માલિકી હકથી વંચિત રહેલા અનેક ખેડૂતો અને તેમના પરિવારોને સીધો લાભ મળશે.

 

ગાંધીનગર શહેરના નિર્માણ માટે જમીન આપનારા વાવોલ, કોલવડા, પેથાપુર, ધોળાકુવા, ઇન્દ્રોડા, બોરીજ, બાસણ, પાલજ, ફતેપુરા અને આદીવાડા સહિતના ગામોના અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા અગાઉ દુકાનો ફાળવવામાં આવી હતી. જોકે, દુકાનોનો વાસ્તવિક ઉપયોગ હોવા છતાં માલિકી હક અંગેની પ્રક્રિયા પૂર્ણ ન થતાં ખેડૂતો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.

 

આ પ્રશ્નના નિરાકરણ માટે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે ગાંધીનગરના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને ફાળવાયેલી દુકાનોના માલિકી હક આપવાનો નિર્ણય કર્યો છે.

 

ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દાયકાથી અસરગ્રસ્ત ખેડૂતો તેમને ફાળવવામાં આવેલી દુકાનોના માલિકી હક્ક માટે લડત ચલાવી રહ્યા હતા. આખરે સરકારે તેમની માંગણી સ્વીકારી છે. ખેડૂતોએ દુકાનોના માલિકી હક માટે અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ તેનો ઉકેલ હાલ આવ્યો છે.

 

અનેક વ્યવહારોમાં અડચણ દૂર થશે

 

માલિકી હક મળ્યા બાદ ખેડૂતો હવે દુકાનોનું રિનોવેશન, બેંકમાંથી લોન મેળવવા, ભાડે આપવા કે વેચાણ જેવી પ્રક્રિયાઓ કાયદેસર રીતે સરળતાથી કરી શકશે. અત્યાર સુધી માલિકી હકના અભાવે અનેક વ્યવહારોમાં અડચણો આવતી હતી, જે હવે દૂર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *