અમદાવાદ જિલ્લાના કેલિયાવાસણા અને શેખડી ગામ નજીક થયેલી શિક્ષિકાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. વસતી ગણતરી કરવા ગયેલી રીનાબેન ઝાલા નામની શિક્ષિકાનો કેનાલ નજીક અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા પોલીસે હત્યાના આરોપમાં મૃતક શિક્ષિકાના પતિ બળદેવ ઝાલાની ધરપકડ કરી છે. બળદેવ ઝાલા પણ શિક્ષક છે અને ધોળકાની ખાત્રીપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલતા ઘરકંકાસથી કંટાળીને શિક્ષક પતિએ પત્ની રીનાબેનની હત્યા કરી હતી. ગત રોજ તેઓ કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે ગયા હતા. ત્યારે જ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. જે ઝઘડાથી ઉશ્કેરાયેલા બળદેવે પથ્થરોના ઘા મારીને રીનાબેનની હત્યા કરી નાંખી હતી. બાદમાં મોપેડમાંથી પેટ્રોલ કાઢીને પત્નીના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી પતિએ હત્યાની કબૂલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી કે સામાજિક અને પારિવારિક ઝઘડાથી તે કંટાળી ગયો હતો. વારંવાર થતા ઘરકંકાસ અને માનસિક ત્રાસથી કંટાળીને તેમણે પત્નીની હત્યા કરી દીધી હતી.
ધોળકા રૂરલ પોલીસે આ ચકચારી કેસમાં મૃતક મહિલા શિક્ષિકા રીનાબેન બળદેવભાઈ ઝાલાના પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પરિણીતા કેલિયા વાસણા ગામમાં સરકારી વસ્તી ગણતરીની કામગીરી માટે આવ્યા હતા. વસ્તી ગણતરીની ફરજ પર ગયેલા શિક્ષિકા મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતિત થયો હતો અને આ અંગે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ અંગેની ફરિયાદ નોંધાવી હતી. નર્મદા કેનાલની નજીક આવેલા ખેતરમાં રહેતા એક સ્થાનિક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર કેનાલના પાળા પર પડેલા અર્ધ નગ્ન સળગેલા મૃતદેહ પર પડી હતી. જે બાદ તાત્કાલિક ધોળકા રૂરલ પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે શિક્ષિકા રીના ઝાલાની હત્યાની તપાસમાં સામે આવ્યું કે, છેલ્લા દસેક દિવસથી આરોપી બળદેવ ઘર કંકાસને લઈને તેને મારી નાખવાની ધમકીઓ આપતો હતો.
