
ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડ અને તેના પતિ પર પ્રજ્ઞાચક્ષુ વેપારીને પોલીસ સ્ટેશનમાં જ ઢોર માર મારવાનો આરોપ છે. પંચવટી વિસ્તારમાં છેલ્લા 32 વર્ષથી પાન પાર્લર ચલાવતા પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈને પડીકુ તૂટવાનો અવાજ આવતા હાથ મારતા બાળકને વાગ્યો હતો. બાદમાં બાળકના પિતાએ આવીને ગોપાલભાઈ સાથે બોલાચાલી કરી હતી. બાળકના પિતાએ જાણ કરતા પોલીસ ગોપાલભાઈને લઈને પોલીસ સ્ટેશન આવી હતી. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનના મહિલા PSI સોનલ રાઠોડે પોલીસ સ્ટેશન આવી ગોપાલભાઈ સાથે અભદ્ર ભાષામાં બોલાચાલી કરીને ગડદાપાટુનો માર મારી લાકડીઓ ફટકારી ખાખીનો રૌફ જમાવ્યો હતો.
હેડ કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કર્યા છતા ખાખીના નશામાં મહિલા PSI ગોપાલભાઈ સાથે મારઝૂડ ચાલુ રાખી હતી. PSI ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા હોવા છતા કોઈપણ મંજૂરી વગર ફરજનું સ્થળ છોડી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન આવી દિવ્યાંગ સાથે મારઝૂડ કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PIએ એસપીને રિપોર્ટ કર્યો હતો. જેથી મહિલા PSI સોનલ રાઠોડને તાત્કાલિક ફરજ મોકૂફ કરી દેવાયા છે. તો ગોપાલભાઈની ફરિયાદના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મહિલા PSI સોનલ રાઠોડ અને તેમના પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધનો આરોપ છે કે મહિલા PSI સોનલ રાઠોડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું અને તેમને માર માર્યો હતો. વૃદ્ધને આંખ પર લાફો મારવામાં આવતા તેમની આંખ લાલ થઈ ગઈ હતી. ઘટનામાં ઇજા પહોંચતા ગોપાલભાઈને હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હોવાનું જણાવવામાં આવ્યું છે.