
ભાજપે રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયાને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે.
‘નો રિપીટ થિયરી’નો ફરી અમલઆ વખતે ભાજપે વર્તમાન રાજ્યસભા સાંસદોને ફરી તક આપી નથી. પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સંગઠનમાં લાંબા સમયથી કાર્યરત અને જમીન સ્તરે કામ કરનારા કાર્યકરોને પણ સંસદ સુધી પહોંચવાની તક મળી શકે છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની યાદીમાં કોઈ પૂર્વ મંત્રી, ધારાસભ્ય કે લોકપ્રિય સેલિબ્રિટી ચહેરો સામેલ નથી. ચારેય નામો સંગઠનમાંથી ઉભરી આવેલા અને વર્ષોથી પાર્ટી માટે કાર્ય કરતા કાર્યકરોના છે.
ગુજરાતના ચારેય ઝોનનું સંતુલનભાજપે ઉમેદવારોની પસંદગીમાં માત્ર જાતિગત નહીં પરંતુ ભૌગોલિક સંતુલન પર પણ ભાર મૂક્યો છે. ચારેય ઉમેદવારો ગુજરાતના અલગ-અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી રાજુભાઈ શુક્લાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે પૂર્વ ગુજરાતના આદિવાસી પટ્ટાને મુકેશ રાઠવા દ્વારા પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રના બે મહત્વના વિસ્તારોમાંથી માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયાને તક અપાઈ છે. રાજકીય રીતે જોવામાં આવે તો ભાજપે એક જ નિર્ણયમાં બ્રાહ્મણ, આદિવાસી, ઓબીસી અને સંગઠનના પાયાના કાર્યકરોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે.
રાજુભાઈ શુક્લા : ઉત્તર-મધ્ય ગુજરાતનો ચહેરોકલોલ અને ગાંધીનગર વિસ્તાર સાથે સંકળાયેલા રાજુભાઈ શુક્લા લાંબા સમયથી સંગઠનમાં સક્રિય છે. બ્રાહ્મણ સમાજમાં તેમની સારી પકડ માનવામાં આવે છે. પડદા પાછળ રહીને સંગઠનને મજબૂત બનાવનારા નેતા તરીકે તેમની ઓળખ છે. તેમની પસંદગી દ્વારા ભાજપે ઉત્તર ગુજરાતના સામાજિક સમીકરણોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
મુકેશ રાઠવા : આદિવાસી પટ્ટાનો અવાજછોટાઉદેપુર વિસ્તારના મુકેશ રાઠવા વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવા માટે કાર્યરત રહ્યા છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમની પસંદગી દ્વારા પાર્ટીએ આદિવાસી સમાજને મહત્વનો સંદેશ આપ્યો છે.
માનસિંહ પરમાર : ઓબીસી સમીકરણનો મહત્ત્વનો ચહેરોગીર સોમનાથ જિલ્લાના માનસિંહ પરમાર હાલમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઓબીસી સમાજ વચ્ચે તેમનો પ્રભાવ છે અને પક્ષને આ વર્ગમાં મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે. રાજ્યસભાની ટિકિટને તેમના સંગઠનાત્મક યોગદાનનું સન્માન માનવામાં આવી રહ્યું છે.
જીતેન્દ્ર કંજારિયા : પાયાના કાર્યકરથી સંસદ સુધીનો સફરદેવભૂમિ દ્વારકા અને જામનગર વિસ્તારના જીતેન્દ્ર કંજારિયા સંગઠનના અત્યંત વફાદાર અને સક્રિય કાર્યકર તરીકે ઓળખાય છે.વર્ષોથી કોઈ હોદ્દાની અપેક્ષા રાખ્યા વગર પક્ષ માટે કામ કરતા કાર્યકરને રાજ્યસભા સુધી પહોંચાડીને ભાજપે ફરી એકવાર સંદેશ આપ્યો છે કે પક્ષમાં કાર્યકર્તાનું મહત્વ સૌથી ઉપર છે.
હવે આગળ શું?ભાજપના ચારેય ઉમેદવારો સોમવારે ઉમેદવારી નોંધાવશે. આ માટે તમામ ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાશે, ત્યારબાદ ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
18 જૂને થશે ચૂંટણીગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે 18 જૂને મતદાન યોજાશે. હાલના સાંસદો રામભાઈ મોકરીયા, અમીન યાજ્ઞિક, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઉમેદવારોની આ પસંદગી દ્વારા ભાજપે માત્ર ચૂંટણી નહીં, પરંતુ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ સામાજિક અને પ્રાદેશિક સમીકરણો ગોઠવવાનો પ્રયાસ કર્યો છે.