વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધી હતી. પોતાના સંબોધનની શરૂઆત તેમણે ગુજરાતી ભાષામાં “કેમ છો બધાં… સુરત મજામાં ને…” કહી કરતાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું.
વક્તવ્યની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ પોતાના વર્ષો જૂના સાથી અને ભાજપના વરિષ્ઠ કાર્યકર કનુભાઈ માવાણીના નિધન પર શોક વ્યક્ત કરતાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે, વર્ષો સુધી સાથે કામ કરનાર એક સાથી ગુમાવ્યાનું દુઃખ સ્વાભાવિક છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતમાં પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા અંગે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુરતના એક લાખથી વધુ લોકોએ પાંચ દિવસ સુધી સ્વચ્છતા અભિયાન ચલાવી શહેરમાંથી કચરો એકત્ર કર્યો છે. તેમણે આ અભિયાનને પોતાના માટે મળેલી સૌથી મોટી અને અમૂલ્ય ભેટ ગણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, પરંતુ સંસ્કાર બનવું જોઈએ. સુરતના એક લાખ પરિવારોનું આ અભિયાન સાથે જોડાવું એ સ્વચ્છ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે. આ માટે તેમણે સમગ્ર સુરતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની તાજેતરની ચૂંટણી બાદ પ્રથમ વખત સુરત પહોંચેલા પ્રધાનમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થને તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે હળવી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ તેમના પોતાના ચૂંટણી વિજયોના રેકોર્ડ પણ પાછળ છોડી દીધા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દોઢ દાયકાથી વધુ સમયથી ગુજરાતની જનતા ભાજપને સતત આશીર્વાદ આપી રહી છે. આ વિશ્વના લોકશાહી ઇતિહાસમાં દુર્લભ ઘટના છે. તેમણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સંબોધતાં કહ્યું હતું કે, જનતાએ ભાજપના સેવાભાવને સમર્થન આપ્યું છે અને હવે વધુ સમર્પણ સાથે વિકાસ માટે કામ કરવાનો સમય છે.
સુરતની સ્વચ્છતા અંગે ગર્વ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે પ્લેગ જેવી મહામારી માટે ઓળખાતું સુરત આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન ધરાવે છે. છેલ્લા દોઢ દાયકાથી નાગરિકો, લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી શહેરે આ સિદ્ધિ હાંસલ કરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુરતના વિકાસને વધુ વેગ આપવા માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, દુનિયા હવે ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહી છે અને ભારત પણ ગ્રીન ગ્રોથના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતે તો વર્ષો પહેલાં જ ક્લાઇમેટ ચેન્જ વિભાગની રચના કરીને આ દિશામાં આગેવાની લીધી હતી.
તેમણે યાદ અપાવ્યું હતું કે, ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય હતું, જેણે આ સદીની શરૂઆતમાં જ ક્લાઇમેટ ચેન્જ માટે અલગ વિભાગ બનાવ્યો હતો. ઉપરાંત, પાટણ જિલ્લાના ચરણકા ખાતે દેશનો પ્રથમ સોલાર પાર્ક પણ ગુજરાતમાં જ વિકસાવવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ભારત “ઇકોનોમી પણ અને ઇકોલોજી પણ”ના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે. સુરતમાં ગંદા પાણીના વ્યવસ્થાપનથી લઈને પાણીના પુનઃઉપયોગ સુધીના અનેક સફળ પ્રયોગો થઈ રહ્યા છે. આગામી દાયકાઓ સુધી પીવાના પાણીની જરૂરિયાત પૂરી થાય તે માટે પણ સરકાર કાર્યરત છે.
તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી અને મેટ્રો રેલ જેવા આધુનિક પ્રોજેક્ટો શહેરના વિકાસને નવી દિશા આપી રહ્યા છે. આગામી સમયમાં હજીરા વિસ્તાર ગ્રીન એનર્જી હબ તરીકે પણ વિકસશે.
વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોરોના મહામારી, યુદ્ધો અને ઊર્જા સંકટ જેવી અનેક વૈશ્વિક પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારત મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. 140 કરોડ ભારતીયોના સંયુક્ત પ્રયાસોથી દેશ દરેક સંકટનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યો છે.
ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ગુજરાતના યોગદાનની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશની કુલ ગ્રીન એનર્જી ક્ષમતાનો લગભગ પાંચમો ભાગ ગુજરાત એકલું ઉત્પાદન કરે છે. સૌર ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ક્ષેત્રોમાં પણ ગુજરાત આગામી સમયમાં દેશને નવી દિશા આપશે.
- પ્રધાનમંત્રીએ સુરતના લોકોના વિકાસપ્રેમ, સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, સુરત માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશના વિકાસનું પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
