વિશ્ર્વ પર્યાવરણ દિવસ પર હવામાન વૈજ્ઞાનિકોની ચેતવણી: નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 વચ્ચે અલ નિનો ચરમસીમાએ પહોંચશે, ચોમાસું નબળું રહેવાની ભીતિ
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આબોહવા પરિવર્તનને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે, જેમાં આગામી ‘અલ નિનો’ની વૈશ્વિક હવામાન અને ભારતીય અર્થતંત્ર પર ગંભીર અસરો થવાની ચેતવણી આપવામાં આવી છે.
ડાર્ટમાઉથ કોલેજના જિયોગ્રાફી વિભાગના એસોસિએટ પ્રોફેસર જસ્ટિન એસ. મેનકિને જણાવ્યું છે કે આ આબોહવા પરિવર્તનને કારણે વૈશ્વિક સ્તરે તાપમાનમાં ભારે વધારો થશે અને ભારત જેવા કૃષિપ્રધાન દેશો માટે મોટો આર્થિક ફટકો પડી શકે છે.
અલ નિનો એ પેસિફિક મહાસાગરમાં સર્જાતી એક જટિલ પ્રક્રિયા છે, જેમાં પેરુ નજીકના દરિયાઈ વિસ્તારની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ગરમ થઈ જાય છે. આ ફેરફારને કારણે સમુદ્ર અને વાતાવરણ વચ્ચે ઉર્જાનું આદાનપ્રદાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને વાતાવરણમાં પ્રચંડ ગરમી ઉમેરાય છે. ઇતિહાસ સાક્ષી છે કે વિશ્વના અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષો હંમેશા અલ નિનોના પ્રભાવવાળા જ રહ્યા છે.
ભારતના સંદર્ભમાં વાત કરીએ તો, ભારતીય હવામાન વિભાગ એ અગાઉથી જ આશંકા વ્યક્ત કરી છે કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે. અલ નિનોની સીધી અસરને કારણે ભારતમાં વરસાદનું પ્રમાણ ઘટે છે અથવા તો કેટલાક વિસ્તારોમાં ચોમાસું શરૂ થવામાં લાંબો વિલંબ થાય છે. આ ભૌગોલિક કનેક્શનના કારણે આગામી સમયમાં ભારતની ખેતીવાડી પર મોટો ખતરો મંડાતો દેખાઈ રહ્યો છે.
હવામાનમાં આવતા આ પરિવર્તનો માત્ર પર્યાવરણ પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ તે દેશની મેક્રો-ઇકોનોમીને પણ ખોરવી નાખે છે. અતિશય ગરમીના કારણે શ્રમિકોની ઉત્પાદકતા ઘટે છે, જ્યારે વરસાદની અછતને લીધે પાકને મોટું નુકસાન થાય છે. ખેડૂતોએ સિંચાઈ માટે ગ્રાઉન્ડવોટર પમ્પિંગ પર વધુ નિર્ભર રહેવું પડે છે, જેનાથી એનર્જી અને વીજળીનો વપરાશ તેમજ તેનો ખર્ચ પણ અચાનક વધી જાય છે, જે દેશમાં નવી આર્થિક અને રાજકીય સ્થિતિઓ ઊભી કરે છે.
વર્તમાન અંદાજો મુજબ, આ વખતનો અલ નિનો નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 દરમિયાન તેની ચરમસીમાએ પહોંચશે. આ ગાળામાં થનારા નુકસાનની લાંબા ગાળાની અસરો રૂપે વર્ષ 2032 સુધીમાં ભારતીય અર્થતંત્રને અંદાજે 1 ત્રિલીયન ડોલરનું આર્થિક નુકસાન થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ભારતનો આર્થિક વિકાસ ચાલુ રહેશે પરંતુ તેની ગતિ ખૂબ જ ધીમી પડી જશે, જ્યારે વૈશ્વિક સ્તરે આ આર્થિક નુકસાન 10 ત્રિલીયન ડોલરને પાર થઈ શકે છે.
અલ નિનોના કારણે ભારતમાં આગામી ઉનાળો અતિશય આકરો રહેવાની શક્યતા
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ અલ નિનો એટલો શક્તિશાળી છે કે તેની અસરો આગામી વર્ષો સુધી ચાલુ રહેશે. ખાસ કરીને ભારતમાં આગામી વસંત ઋતુ અને ઉનાળાની શરૂઆત અતિશય ગરમ અને આકરી રહેવાની પૂરેપૂરી સંભાવના છે. આ અસાધારણ ગરમીના કારણે દેશમાં પાણીની તંગી, પાવર ગ્રીડ પર દબાણ અને મોંઘવારી વધવાના સંકેતો મળી રહ્યા છે, જેના માટે સરકારે અત્યારથી જ આગોતરા આયોજનો કરવા પડશે.
