ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) આજે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ગુના શોધણ અને સુરક્ષા ક્ષેત્રે એક આશાનું કિરણ બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ વર્ષ 2009માં સ્થપાયેલી આ સંસ્થાએ માત્ર 14 વર્ષના ટૂંકા ગાળામાં (ઓક્ટોબર-2020) “ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ (INI)”નો ગૌરવપૂર્ણ દરજ્જો પ્રાપ્ત કર્યો છેસ્થાપક કુલપતિ અને ભારતના વરિષ્ઠતમ ફોરેન્સિક સાયન્ટિસ્ટ પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસના કુશળ નેતૃત્વ હેઠળ NFSU એ શિક્ષણ, સંશોધન, તાલીમ અને ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે એક અનોખું અને વિશિષ્ટ વૈશ્વિક મોડેલ સ્થાપિત કર્યું છે.
96 દેશોના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય કેમ્પસ
NFSU એ ભારતની એક એવી વિશિષ્ટ સરકારી યુનિવર્સિટી છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.
વિદેશમાં કેમ્પસ: યુગાન્ડાના જિન્જા ખાતે NFSU એ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપ્યું છે.
વિસ્તરણ: મે 2026 સુધીમાં આ યુનિવર્સિટી દેશ-વિદેશમાં કુલ 13 કેમ્પસ ધરાવે છે અને વિશ્વના અનેક દેશો પોતાના ત્યાં NFSU નું કેમ્પસ સ્થાપવા ઉત્સુક છે.ગુનાની વૈજ્ઞાનિક તપાસ ઝડપી બને અને કોર્ટ સમક્ષ સચોટ પુરાવા રજૂ કરી શકાય તે માટે NFSU એ ભારતમાં જ નિર્મિત અત્યાધુનિક ‘મોબાઈલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન’ તૈયાર કરી છે. આ વાન 24×7 કલાક કૌશલ્યયુક્ત તજજ્ઞો અને ખાસ ફોરેન્સિક કીટ્સ સાથે સેવામાં તૈનાત રહે છે. હાલમાં દેશના 17થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી 300થી વધુ મોબાઈલ વાન કાર્યરત છે, જે ન્યાય પ્રક્રિયાને વેગ આપી ગુનેગારોને સજા અપાવવામાં મદદ કરે છે.NFSU દ્વારા સંશોધન અને સ્ટાર્ટ-અપ્સને વેગ આપવા માટે કંપની કાયદા હેઠળ ‘ફોરેન્સિક ઈનોવેશન કાઉન્સિલ’ અને SSIP ના સહયોગથી ‘ફોરેન્સિક ઇનોવેશન સેન્ટર’ની સ્થાપના કરવામાં આવી છે. અહીં અત્યાધુનિક લેબોરેટરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ કેન્દ્ર સરકારના માધ્યમથી તૈયાર થયેલી ફોરેન્સિક તપાસ માટેની 20થી વધુ મેક-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, સિંગાપોર અને યુરોપ જેવા દેશોમાં નિકાસ થઈ રહી છે. એટલું જ નહીં, સંસ્થાએ ભારતમાં તેમજ અમેરિકામાં પણ વિશિષ્ટ પેટન્ટ અપ્રૂવલ મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.રાષ્ટ્રીય આપત્તિઓ અને જટિલ કેસોમાં પણ NFSU અગ્રેસર રહ્યું છે. ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી ભયંકર અને દુઃખદ એર ઇન્ડિયા ફ્લાઇટ-171 વિમાન દુર્ઘટનાના કુલ 265 હતભાગીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે NFSUની ટીમે અત્યંત ઝડપી ગતિએ DNA પ્રોફાઇલિંગનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું હતું.
મહાનુભાવો અને વિદ્યાર્થીઓના પ્રતિભાવો
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જણાવ્યા મુજબ, “જ્યારે પણ ગુનેગાર કોઈ સમસ્યા ઊભી કરે છે ત્યારે NFSU તેનું સમાધાન લાવવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું કે ભારત ફોરેન્સિક ક્ષેત્રે અગ્રણી બને, તેને NFSUએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.”ઈન્ડિયા ટીવીના ચેરમેન અને એડિટર ઇન ચીફ રજત શર્માએ જણાવ્યું કે, “સોશિયલ મીડિયાના આ સમયમાં ‘Fake News’ અને ‘Deep Fake’ ચિંતાનો વિષય છે. આવા ખોટા વિડીયોની સમસ્યાને હલ કરી સમાજમાં જાગૃતિ લાવવામાં NFSUનું યોગદાન મહત્ત્વનું સિદ્ધ થશે.”
વિદ્યાર્થીઓ શું કહે છે?
MBA નાં વિદ્યાર્થી ડો. નિશા વાળાએ કહ્યું કે, “NFSU માં અભ્યાસ કરવો એક ઉત્તમ વૈશ્વિક અનુભવ છે. અહીંનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોફેસરો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.”
એમ. ટેક. સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સના નાઈ વેદે કહ્યું હતું કે, NFSUમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેનો ઉપયોગ અમારા સંશોધન કાર્યમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.
ડીએનએ ફોરેન્સિક્સ, ડ્રોન ફોરેન્સિક અને ડિજિટલ ફોરેન્સિક્સ જેવા ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોમાં અદભુત સંશોધનો કરી રહેલી આ યુનિવર્સિટી વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ ના સંકલ્પને સાકાર કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ કાર્યરત્ NFSU આજે વૈશ્વિક ગુના ન્યાય પ્રણાલી (Criminal Justice System) ને મજબૂત બનાવવામાં વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે, જે ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે