
યુવતીનો આક્ષેપ છે કે ધરપકડ દરમિયાન તેની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો અને કાયદાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે.
દિલ્હીની હોટલમાંથી ધરપકડ અને મહિલા પોલીસની ગેરહાજરી
હર્ષિદા શેટ્ટીએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, પોલીસ ચોપડે તેની ધરપકડ માણેકચોકથી બતાવાઈ છે તે તદ્દન ખોટી છે. વાસ્તવમાં ક્રાઈમ બ્રાંચે તેની અટકાયત દિલ્હીની એક હોટલમાંથી કરી હતી. આક્ષેપ અનુસાર દિલ્હીથી જ્યારે તેની અટકાયત કરાઈ ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમમાં કોઈ મહિલા પોલીસ હાજર નહોતી. કાયદાકીય પ્રોટોકોલનું પાલન કર્યા વિના, મહિલા પોલીસની ગેરહાજરીમાં જ પુરુષ પોલીસ કર્મચારીઓએ તેનું ચેકિંગ કર્યું હતું. ધરપકડ વખતે તેની પાસે રહેલો સોનાનો દોરો અને કેટલીક રોકડ રકમ પણ પોલીસે પડાવી લીધી હતી.
“હાઈવે પર કંઈક ખવડાવી બેભાન કરી દીધી”, સેલ્સગર્લનો ચોંકાવનારો દાવો
અરજીમાં સૌથી ગંભીર આક્ષેપ કરતા સેલ્સગર્લે જણાવ્યું છે કે, તેને દિલ્હીથી કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં અમદાવાદ લાવવામાં આવી રહી હતી. આ સફર દરમિયાન દિલ્હી-જયપુર હાઈવે પર ક્રાઈમ બ્રાંચના માણસોએ તેને ખાવામાં કંઈક નશીલો પદાર્થ ખવડાવી દીધો હતો. પોલીસે કંઈક ખવડાવી દેતાં હું બેભાન થઈ ગઈ હતી. લાંબા સમય પછી જ્યારે મને ભાન આવ્યું ત્યારે મારા કપડાં અસ્તવ્યસ્ત હાલતમાં હતા.” આ ઘટના બાદ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ઓફિસે લાવવામાં આવી હતી. આ ગંભીર બાબતે તેણે અગાઉ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ ફરિયાદ અરજી કરી હતી, પરંતુ મેજિસ્ટ્રેટ દ્વારા તે અરજી નકારી કાઢવામાં આવી હતી, જેથી હવે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
“આ બધી મનઘડત અને કાલ્પનિક કહાની છે”
બીજી તરફ, હાઈકોર્ટમાં સરકાર પક્ષ (સરકારી વકીલ) દ્વારા આ યુવતીની અરજી અને તેના આક્ષેપોનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી પક્ષે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે કરોડોની ચોરીના કેસમાંથી બચવા અને પોલીસ પર દબાણ લાવવા માટે યુવતી દ્વારા આ એક કાલ્પનિક અને મનઘડત કહાની ઊભી કરવામાં આવી છે. જ્યારે યુવતીની ધરપકડ બાદ તેને પ્રથમ વખત કોર્ટ (મેજિસ્ટ્રેટ) સમક્ષ રજૂ કરવામાં આવી, ત્યારે તેણે આવી કોઈ જ ફરિયાદ કે આપવીતી જણાવી નહોતી. હવે કેસ આગળ વધતાં તે કાયદાની ચુંગાલમાંથી છૂટવા માટે પાછળથી આવા પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.
હાઈકોર્ટની કાર્યવાહી
ગુજરાત હાઈકોર્ટે આ મામલે બંને પક્ષોની દલીલો અને રજૂઆતોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી. બંને પક્ષકારોની સુનાવણી પૂર્ણ કર્યા બાદ હાઈકોર્ટે આ મામલે યોગ્ય કાયદાકીય નિર્દેશો જાહેર કર્યા છે. કરોડોની ચોરીના આ હાઈપ્રોફાઈલ કેસમાં હવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતાં આ મામલો સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.