કોબાથી ઇન્દિરા બ્રિજ સુધી સુપરફાસ્ટ કનેક્ટિવિટી, ટ્રાફિકને મળશે રાહત નર્મદા કેનાલ પર બનશે વિશાળ 12 લેનનો બ્રિજ, હાઇવે થશે વિસ્તૃત

Spread the love

ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટને જોડતા વ્યસ્ત માર્ગને સંપૂર્ણપણે ટ્રાફિક જામમુક્ત બનાવવા ભાટ ખાતે નિર્માણાધીન કેબલ સ્ટેડ બ્રિજનું મહિનાના અંત સુધીમાં લોકાર્પણ થવાની સંભાવના વચ્ચે હવે તેની આગળ આવેલા નર્મદા કેનાલ બ્રિજને હાલના 6 લેનમાંથી 12 લેનનો બનાવવા માટેનો નિર્ણય પણ લેવાયો છે.

 

રાજ્ય સરકારે આ કામ માટે અંદાજે રૂ.37 કરોડના ખર્ચને મંજૂરી આપી દીધી છે. ભાટ કેબલ સ્ટેડ બ્રિજના લોકાર્પણ સાથે નર્મદા કેનાલ બ્રિજને 12 લેન બનાવવાના કામનું ખાતમુહૂર્ત પણ થશે.

 

નર્મદા કેનાલ પર હાલ 6 લેન બ્રિજ છે જેને યથાવત રાખીને તેને સમાંતર નવો 6 લેન બ્રિજ બાંધવામાં આવશે, જેથી કુલ 12 લેનની વ્યવસ્થા ઊભી થશે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 100 મીટર લાંબા નવા બ્રિજ સહિત લગભગ એક કિલોમીટર વિસ્તારમાં માર્ગનું વિસ્તરણ કરવામાં આવશે.

 

હાલમાં એરપોર્ટ તરફ જતા માર્ગ પર કેનાલ બ્રિજનો સાંકડો ભાગ ટ્રાફિક માટે ‘બોટલનેક’ બની જાય છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન લાંબી વાહન કતારો સર્જાય છે.

બ્રિજના વિસ્તરણ બાદ આ અવરોધ દૂર થવાની સાથે ગાંધીનગર-અમદાવાદ અને એરપોર્ટ વચ્ચેનું વાહનવ્યવહાર વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે.

 

ભાટ બ્રિજનો લોડ ટેસ્ટ સફળ, હવે લોકાર્પણની રાહ

 

ભાટ કેબલ સ્ટેડ બ્રિજ પર તાજેતરમાં 18 રેતીભરેલી ટર્બો ટ્રકો ઉભી રાખીને લોડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરીક્ષણ સફળ રહેતાં બ્રિજ હવે વાહન વ્યવહાર માટે તૈયાર માનવામાં આવે છે. મહિનાના અંત સુધીમાં તેનું લોકાર્પણ થવાની શક્યતા છે.

 

કેનાલમાં તરતા પોન્ટુન પરથી થશે પિલ્લરનું કામ નર્મદા કેનાલમાં સતત પાણી રહેતું હોવાથી બ્રિજના પાયા માટે વિશેષ તકનીક અપનાવવામાં આવશે.

 

પાણીની વચ્ચે તરતું પોન્ટુન પ્લેટફોર્મ મૂકીને કોંક્રિટના પિલ્લરોનું નિર્માણ કરાશે, જે સમગ્ર પ્રોજેક્ટનો સૌથી પડકારજનક તબક્કો ગણાય છે. અગાઉ પણ આ રીતે કેનાલ પર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વધુ એક બ્રિજનો સમાવેશ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *