‘ગોડઝિલા અલ નીનો’ શું છે? જે આવી રહ્યું છે ભારત તરફ, ખેતીથી લઈને પાવર ગ્રીડ સુધી બધું જ તબાહ થવાનું મહાસંકટ કેમ?

Spread the love
દેશમાં ભલે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ એક અઠવાડિયા વહેલા દસ્તક આપી દીધી હોય, પરંતુ આ વખતે ચોમાસામાં ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે. ચોમાસાનું પ્રથમ સપ્તાહ નિરાશાજનક રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં 12 ટકા ઓછો વરસાદ રેકોર્ડ થયો છે. એટલું જ નહીં, ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાના સંકેતો છે.

IMDએ ચોમાસાના લાંબા ગાળાના સરેરાશના લગભગ 90 ટકા જેટલો જ વરસાદ થવાનો અંદાજ લગાવ્યો છે. આ સાથે અધિકારીઓએ એવી ચેતવણી પણ આપી છે કે, ચોમાસાના બીજા ભાગમાં અલ-નીનોની સ્થિતિ ગંભીર બની શકે છે. આનાથી પાકને થનારું જોખમ વધી શકે છે.

 

આ બધાની વચ્ચે આંતરરાષ્ટ્રીય હવામાન વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ ઇમેજરી, મોડ્યુલ્સ અને સમુદ્રના પાણીના તાપમાન તથા તેની પેટર્નના આધારે ભવિષ્યવાણી કરી છે કે, હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં ગરમ થઈ રહેલા પાણીનો એક વિશાળ હિસ્સો (જલરાશિ) ટૂંક સમયમાં ભારત તરફ આગળ વધી શકે છે અને આખા ભારતમાં રોજિંદા જીવનને તબાહ કરી શકે છે. આમાં ખેતીવાડીથી લઈને સિંચાઈના સ્ત્રોતો અને પાવર ગ્રીડ પણ નષ્ટ થઈ શકે છે.

 

શું છે ‘ગોડઝિલા અલ નીનો’?

પ્રશાંત મહાસાગરમાં હજારો કિલોમીટર દૂર પાણીના એ ગરમ પ્રવાહને વૈજ્ઞાનિકોએ ‘ગોડઝિલા અલ નીનો’ અથવા ‘સુપર અલ નીનો’ કહ્યો છે, જે ભારત માટે ખતરાની ઘંટી વગાડી રહ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી શક્તિશાળી અલ નીનો સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે (લગભગ 2.5°C કે તેથી વધુ) વધી જાય છે, ત્યારે આખી દુનિયાની ઋતુ, હવા અને વરસાદનું ચક્રને ભારે અસર થાય છે.

આ એક કુદરતી આબોહવાની પેટર્ન છે

વૈજ્ઞાનિકો ‘અલ નીનો’ના બનવા પર નજર રાખી રહ્યા છે. આ એક કુદરતી આબોહવાની પેટર્ન છે, જે દુનિયાભરનું હવામાન બદલી શકે છે. જો કે, આ ઉષ્ણકટિબંધીય પ્રશાંત ક્ષેત્રમાં શરૂ થાય છે, પરંતુ તેની અસર અવારનવાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં બદલાવ દ્વારા ભારત સુધી પહોંચે છે. ચોમાસું એ ભારતમાં વરસાદ લાવનારી વાર્ષિક મોસમી સ્થિતિ છે જે વરસાદ લાવે છે, જેનાથી ખેતરો, જળાશયોમાં પાણી ભરાય છે અને તેનો ઉપયોગ ખેતીથી લઈને ઉદ્યોગો-ધંધાઓ સુધી થાય છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) સહિત દુનિયાની ઘણી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે, ઉભરી રહેલું અલ નીનો માત્ર હવામાનની એક સામાન્ય ઘટના કરતા ક્યાંય વધુ ગંભીર હોઈ શકે છે. તેની અસર ખેતી, ઉર્જા, ટ્રાન્સપોર્ટ અને ખાવા-પીવાની વ્યવસ્થા પર એક સાથે પડી શકે છે.

ગોડઝિલા અલ નીનો’ કેવી રીતે બને છે?

જ્યારે વિષુવવૃત્ત પાસે મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું પાણી સામાન્ય કરતાં ઘણું વધારે ગરમ થઈ જાય છે, ત્યારે પવનોની દિશા બદલાઈ જાય છે અને અલ નીનો બને છે. ‘ગોડઝિલા’ નામનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવે છે જ્યારે આ ઘટના અસાધારણ રીતે મજબૂત, પ્રચંડ અને વિનાશકારી બની જાય છે. આ કોઈ સત્તાવાર વૈજ્ઞાનિક વર્ગીકરણ નથી, પરંતુ એક લોકપ્રિય ઉપનામ છે.

ચોમાસા અને ખેતી પર અલ નીનોની અસર

વૈજ્ઞાનિકો અનુસાર, આ કુદરતી આબોહવાની પેટર્ન ભારતના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને નબળું પાડી શકે છે. ચોમાસું ભારતની ખેતી, જળાશયો અને પાણી પુરવઠાની જીવાદોરી છે. જો વરસાદ ઓછો થશે તો તેની સીધી અસર ખેતરોની સિંચાઈ અને પાકના ઉત્પાદન પર પડશે. આ ‘ગોડઝિલા’ અલ નીનોની અસર માત્ર ખેતરો પૂરતી મર્યાદિત નહીં રહે. ઓછો વરસાદ થવાને કારણે નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર ઘટી શકે છે, જેનાથી પીવાના પાણીની ભારે અછત સર્જાઈ શકે છે. સાથે જ પાણી ઓછું થવાથી હાઇડ્રોપાવર ઉત્પાદન પણ પ્રભાવિત થશે.

 

પાવર ગ્રીડ પર બેવડો માર

એક તરફ વીજળીનું ઉત્પાદન ઘટશે, તો બીજી તરફ અસહ્ય ગરમીના કારણે પંખા, એર કંડિશનર અને રેફ્રિજરેશનની માંગ આસમાને પહોંચશે. આનાથી દેશના પાવર ગ્રીડ પર ભારે દબાણ આવશે, જે પહેલાથી જ ઉનાળાની ગરમી (Heatwaves)ને કારણે વધારાનો બોજ ઉઠાવી રહ્યા છે. ભારતમાં ગયા મહિને જ વીજળીની માંગ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે એટલે કે લગભગ 265 ગીગાવોટ (GW) પર નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગયા વર્ષે જૂન 2025માં વીજળીની મહત્તમ માંગ 242.77 GW નોંધાઈ હતી, જ્યારે મે 2024માં માંગ 250 GW સુધી પહોંચી ગઈ હતી, જે તે સમયે સૌથી વધુ હતી. પરંતુ આ વર્ષે મે મહિનામાં તે રેકોર્ડ 265 ગીગાવોટ સુધી પહોંચી ગયો છે. ગ્લોબલ એક્સપર્ટે ઇન્ટરનેશનલ શિપિંગ અને સપ્લાય ચેન માટે પણ જોખમો તરફ ઈશારો કર્યો છે.

અન્ય દેશોમાં શું થશે અસર?

કેટલાક વર્ષોના અંતરાલ પર આવતા અલ નીનોને કારણે અગાઉ પણ મધ્ય અમેરિકાના કેટલાક ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેનાથી પનામા નહેર (એક મહત્વપૂર્ણ ટ્રેડ રૂટ) પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. ગ્લોબલ શિપિંગમાં કોઈપણ પ્રકારની અડચણથી દુનિયાભરમાં માલસામાન અને કોમોડિટીની અવરજવર પર પરોક્ષ રીતે અસર પડી શકે છે. આ ઉપરાંત પેરુ અને ઇક્વાડોર જેવા દરિયાકાંઠાના દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રનું પાણી ગરમ થવાને કારણે અતિભારે વરસાદ થાય છે. તેના કારણે ભયાનક પૂર અને ભૂસ્ખલન થાય છે, જેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થાય છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં અલ નીનોના કારણે ગંભીર દુષ્કાળ અને આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આફ્રિકામાં તો આ ઘટના દુષ્કાળ અને ભૂખમરા સુધીની સ્થિતિ લાવતી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *