ભરૂચ ડબલ મર્ડરની ચોંકાવનારી વિગતો: વેવાઈ અને પુત્ર ઘરે ન હતો ત્યારે જ સસરાએ વેવાણ અને પુત્રવધૂને રહેંશી નાખ્યાં

Spread the love

શહેરના કોઠી રોડ અને વ્હોરવાડ વિસ્તારમાં બુધવારે બપોરે એક કલાકના ગાળામાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. પરિવારમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ગૃહકલેશ અને તબીબ પુત્રને તેની પત્ની અને સાસુ હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ઉશ્કેરાયેલા સસરાએ પહેલાં પોતાની પુત્રવધૂને અને ત્યારબાદ વેવાણની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી હતી.

જે બાદ સસરાએ પોતે પણ ગળા અને શરીરના ભાગે ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

પુત્ર ક્લિનિક પર હતો ત્યારે સસરાએ પુત્રવધૂની હત્યા કરી નાખી

 

ભરૂચના કોઠી રોડ પર રહેતા અને ‘બુરહાની ક્લિનિક’ નામે ખાનગી હોસ્પિટલ ચલાવતા BHMS તબીબ ડૉ. યુસુફ ઝનોરવાલા અને તેમની પત્ની અલિફિયા વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો. બુધવારે બપોરે ડૉ. યુસુફ જ્યારે પોતાના ક્લિનિક પર ગયા હતા અને ઘરમાં પત્ની અલિફિયા એકલી હતી, ત્યારે તેમનાથી અલગ રહેતા સસરા જૈનુલ ઝનોરવાલા તીક્ષ્‍ણ ચપ્પુ સાથે ત્યાં ધસી આવ્યા હતા.

પુત્રવધૂને મોતને ઘાટ ઉતારી સસરો વેવાઈના ઘરે પહોંચ્યો

 

અલિફિયા રસોડામાં કામ કરી રહી હતી તે દરમિયાન જૈનુલે તેના પર ઉપરાઉપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. પુષ્કળ લોહી વહી જવાને કારણે બે સંતાનોની માતા એવી અલિફિયાએ રસોડામાં જ દમ તોડી દીધો હતો. પુત્રવધૂની હત્યા કર્યા બાદ સસરા જૈનુલ ઝનોરવાલા વ્હોરવાડમાં રહેતા તેમના વેવાઈ અબ્દુલ હુસેનના ઘરે પહોંચ્યા હતા. વેવાઈ અબ્દુલ હુસેન પોતાની પાપડની એજન્સીની દુકાને હોવાથી ઘરે તેમના પત્ની શહેનાઝબેન એકલા જ હતા.

 

વેવાણે દરવાજો ખોલતાં જ ચપ્પુના ઘા મારી હત્યાને અંજામ આપ્યો

 

શહેનાઝબેને જેવો ઘરનો દરવાજો ખોલ્યો કે તરત જ જૈનુલ તેમના પર ચપ્પુ લઈને તૂટી પડ્યો હતો અને તેમની પણ નિર્મમ હત્યા કરી નાખી હતી. આમ, સસરાએ આયોજનબદ્ધ રીતે બંને મહિલાઓ ઘરમાં એકલી હોય તેવા સમયે જ હુમલો કર્યો હતો. બંને મહિલાઓની હત્યાના આખા ખેલને અંજામ આપ્યા બાદ, જૈનુલે વેવાણના ઘરમાં જ પોતાના ગળા, છાતી અને પગના ભાગે ચપ્પુના ઘા મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

બંને મહિલાઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો

 

વ્હોરવાડમાં પાડોશીઓને ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોહીલુહાણ હાલતમાં જૈનુલને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ભરૂચના Dy.SP એમ.એમ. ગાંગુલીના જણાવ્યા અનુસાર, ગૃહકલેશના કારણે આ બેવડી હત્યા થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ બંને હત્યા જૈનુલ ઝનોરવાલાએ કરી હોવાનું લાગી રહ્યું છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 

તપાસ બાદ થશે અનેક ખુલાસા

 

આ કેસમાં પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત સામે આવશે તેવું લાગી રહ્યું છે. હત્યા પાછળ ઘરકંકાસ કે કોઈ અન્ય કારણ જવાબદાર છે તેના પરથી પોલીસ તપાસ બાદ જ પડદો ઊંચકાશે. પોતાની પુત્રવધૂ અને વેવાણની હત્યા બાદ જૈનુલે પોતે પણ શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો તે પણ એક મોટો પ્રશ્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *