‘ભૂતિયા ડિમોલિશન’ કેસમાં મુખ્ય ચહેરો આવ્યો સામે: ગાંધીનગર સુધી પહોંચ્યો વિવાદ, અગ્રસચિવે માંગ્યો ખુલાસો

Spread the love
સુરત મહાનગરપાલિકાના નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત ‘ભૂતિયા ડિમોલિશન’ મામલાએ હવે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન પાલિકાના કેટલાક અધિકારીઓની ભૂમિકા, અધિકારક્ષેત્ર બહારની કાર્યવાહી અને નિયમોના પાલન અંગે અનેક સવાલો ઊભા થયા છે. વિવાદ વધતા હવે સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે અને રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે પણ આ મુદ્દે ગંભીર નોંધ લીધી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ડિમોલિશન કાર્યવાહી દરમિયાન સુરત મહાનગરપાલિકાના અધિકારી સુજલ પ્રજાપતિની ભૂમિકાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખાસ કરીને તેઓ જે ઝોનની જવાબદારી સંભાળતા નથી, તે વિસ્તારમાં તેમની સક્રિય હાજરી અને કાર્યવાહી સંદર્ભે ચર્ચાઓ તેજ બની છે. વિવાદ વકરતા હવે રાજ્ય સરકાર દ્વારા પાલિકા કમિશનર પાસેથી સમગ્ર મામલે વિગતવાર સ્પષ્ટતા માંગવામાં આવી છે.

 

સુજલ પ્રજાપતિની ભૂમિકા ચર્ચાના કેન્દ્રમાં

 

સૂત્રોના જણાવ્યા અનુસાર ડિમોલિશન કાર્યવાહી માટે ખાનગી એજન્સીને ત્રણ પોકલેન મશીનો, બે જેસીબી બ્રેકર અને મોટી સંખ્યામાં મજૂરો સાથે સ્થળ પર પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં સુજલ પ્રજાપતિનું નામ મુખ્ય ભૂમિકામાં ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા એવી પણ છે કે, સુજલ પ્રજાપતિ પોતાનો અધિકારક્ષેત્ર ન હોવા છતાં સ્થળ પર હાજર રહ્યા હતા. વધુમાં જે ઝોનમાં ડિમોલિશન થવાનું હતું, તે ઝોનના જવાબદાર અધિકારીઓને પણ કથિત રીતે સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કેટલાક સૂત્રોનો દાવો છે કે, ઉચ્ચ અધિકારીઓના સંદેશાઓનો હવાલો આપીને મૂળ જવાબદાર અધિકારીઓને નિર્ણય પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા હતા. જોકે આ તમામ મુદ્દાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

પોલીસની હાજરીમાં થઈ કાર્યવાહી

 

વિવાદનું બીજું મહત્વનું પાસું એ છે કે ડિમોલિશન દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ હાજર હતો. આરોપ છે કે પોલીસની હાજરી વચ્ચે જ તોડફોડની કાર્યવાહી આગળ વધારવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

 

ચર્ચા એવી પણ છે કે સુજલ પ્રજાપતિ જે વિભાગ સાથે સંકળાયેલા છે, તે વિભાગના અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર નહોતા. જેના કારણે સમગ્ર કાર્યવાહી અંગે વધુ શંકાઓ ઊભી થઈ રહી છે. આ મામલામાં રાજકીય દબાણ અને પ્રભાવના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે. કેટલાક વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, રાજકીય બળના આધારે કેટલાક અધિકારીઓ પર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. જોકે આ દાવાઓની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.

ગાંધીનગર સુધી પહોંચ્યો મામલો

 

નાસીરનગર ડિમોલિશન વિવાદ હવે માત્ર સ્થાનિક સ્તરે સીમિત રહ્યો નથી. રાજ્યના તમામ મહાનગરપાલિકા કમિશનરો સાથે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક દરમિયાન પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

બેઠક દરમિયાન રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવે સુરતની આ કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. “સુરતમાં આખરે શું ચાલી રહ્યું છે?” જેવા સવાલો સાથે સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હોવાનું કહેવાય છે.

 

પાલિકા કમિશનર પાસે માંગાયો ખુલાસો

 

વિવાદ વધતા હવે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવે સુરત મહાનગરપાલિકા કમિશનર પાસેથી સત્તાવાર ખુલાસો માંગ્યો છે. રાજ્ય સરકાર જાણવા માંગે છે કે ડિમોલિશન પ્રક્રિયા કયા આધારે હાથ ધરાઈ, તેમાં કયા અધિકારીઓ સામેલ હતા અને તમામ નિયમોનું પાલન થયું હતું કે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર સમગ્ર ઘટનાક્રમનો અહેવાલ મેળવ્યા બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લઈ શકે છે. આ દરમિયાન પાલિકા તંત્ર પણ બચાવની સ્થિતિમાં આવી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નાસીરનગરના કથિત ‘ભૂતિયા ડિમોલિશન’ કેસમાં હજુ અનેક સવાલોના જવાબ મળવાના બાકી છે. અધિકારક્ષેત્ર બહાર કાર્યવાહી કેમ કરવામાં આવી? સંબંધિત ઝોનના અધિકારીઓની ભૂમિકા શું હતી? ખાનગી એજન્સીને સૂચના કોણે આપી? અને સમગ્ર કાર્યવાહી પાછળ કોઈ દબાણ અથવા અન્ય પરિબળો હતા કે નહીં? આ તમામ મુદ્દાઓ હવે તપાસ અને સરકાર સમક્ષ રજૂ થનારા અહેવાલ પર નિર્ભર રહેશે. રાજ્ય સરકારની સીધી દખલ બાદ આ મામલો વધુ ગંભીર બન્યો છે અને આગામી દિવસોમાં નવા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *