ડિજિટલ સુરક્ષા નેટવર્કને મજબૂત કરવા ખાનગી CCTV કેમેરાનું પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા પર મુકાયો ભાર
મિશન બેટર પોલિસિંગ: શ્રી જી. એસ. મલિકે ટેક્નોલોજી આધારિત સુરક્ષા સુધારાઓ કરવા સૂચના અપાઈ
ડીજીપીશ્રીએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી; પબ્લિક-પ્રાઇવેટ CCTV ઇન્ટિગ્રેશન અને લોકભાગીદારીથી CCTV નેટવર્ક વધારવા સૂચનાઓ આપી
મિશન બેટર પોલિસિંગ’ અંતર્ગત રચાયેલી વિવિધ સમિતિઓની પ્રગતિની સમીક્ષા: પોલીસ કામગીરીને વધુ કાર્યક્ષમ અને લોકાભિમુખ બનાવવા આદેશ
ટેક્નોલોજી અને જનભાગીદારીના સમન્વયથી ગુજરાતના સુરક્ષા માળખાને વધુ મજબૂત કરવાના એક મોટા પ્રયાસરૂપે, રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે પોલીસ ભવન, ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી CCTV કેમેરાને પોલીસ સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જ આઇ.જી.શ્રીઓ, જિલ્લા પોલીસ વડાશ્રીઓ (SP) તેમજ તમામ પોલીસ યુનિટના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.
બેઠકમાં કાયદો-વ્યવસ્થા, ગુના નિયંત્રણ, નાગરિકોની ફરિયાદોનું નિવારણ, પોલીસ ફોર્સની ફિટનેસ અને ‘મિશન બેટર પોલિસિંગ’ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં મહત્વનો એક મુદ્દો લોકભાગીદારી દ્વારા રાજ્યના ડિજિટલ સુરક્ષા કવચને સુદ્રઢ કરવાનો હતો. શ્રી જી. એસ. મલિકે ખાનગી ધોરણે લાગેલા CCTV કેમેરાને પોલીસ મોનિટરિંગ સિસ્ટમ સાથે લિંક કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ-ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગથી CCTV નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરતા રાજ્યના પોલીસ વડાશ્રીએ અધિકારીઓને ‘પ્રોએક્ટિવ પોલિસિંગ’ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, પ્રજાની ફરિયાદોનું ઝડપી, પારદર્શી અને સંતોષકારક નિવારણ લાવવા માટે ‘Public Grievance Redressal System’ ને વધુ મજબૂત કરવા તાકીદ કરી હતી.
ગુનાખોરી અટકાવવા (Prevention), ગુનાઓનો ભેદ ઉકેલવા (Detection) અને વૈજ્ઞાનિક તેમજ સમયબદ્ધ તપાસ (Investigation) કરવા માટે ડીજીપીશ્રી દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ, પોલીસ દળ શારીરિક અને માનસિક રીતે સક્ષમ રહે તે માટે કર્મચારીઓના હેલ્થ અને ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવા એકમોના વડાઓને જણાવાયું હતું.
પોલીસિંગ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત (Citizen-centric) બનાવવા માટે “મિશન બેટર પોલિસિંગ” અંતર્ગત ગઠિત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી, અને સુધારાઓનો અસરકારક અમલ કરવા દિશા-નિર્દેશો અપાયા હતા.
બેઠકના અંતે, ડીજીપી શ્રી જી. એસ. મલિકે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સંવેદનશીલ અને મહત્વના મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી, સમયમર્યાદામાં તમામ નિર્ણયોનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચિત કરવા કડક આદેશ આપ્યા હતા.
*બે કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં અન્ય મહત્વના મુદ્દાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા*
બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ મેરેથોન વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા કાયદો-વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ કરવા અન્ય પ્રસ્તુત મુદ્દાઓ પર પણ ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી આવતી ફરિયાદોના ત્વરિત નિવારણ માટે ‘GP-SMASH’ પ્રોજેક્ટને વધુ મજબૂત કરવા તેમજ PG પોર્ટલ પર આવતી અરજીઓનો ઝડપી નિકાલ કરવા તાકીદ કરાઈ હતી. તે ઉપરાંત પોલીસ દળમાં શિસ્ત (Discipline) જળવાઈ રહે અને કર્મચારીઓ તણાવમુક્ત રહી શકે તે માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને પોલીસ કર્મચારીઓની ફિટનેસ પર વિશેષ ભાર મુકાયો હતો. આ ઉપરાંત, દરેક પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવા, SRP પોઈન્ટ્સનું નિયમિત ચેકિંગ કરવા, ફરજ દરમિયાન બોડી વોર્ન કેમેરાના ફરજિયાત ઉપયોગ અને સમન્સ-વોરંટની બજવણી ઓનલાઈન (Online) માધ્યમથી ઝડપી બનાવવા સૂચનાઓ અપાઈ હતી.
પ્રજાની સુખાકારી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાજખોરો વિરૂદ્ધ કડક ઝુંબેશ ચાલુ રાખવા, અસામાજિક તત્વો વિરૂદ્ધ પાસા-તડીપારની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર દબાણો હટાવવા તેમજ એફઆઈઆર બારીક વિગતો સાથે ઝડપી નોંધવા અને આરોપીની ધરપકડ ત્વરિત કરવા સહિતના કોર પોલીસિંગના મુદ્દાઓ પર ભાર મૂકવા કડક આદેશો અપાયા હતા. વધુમાં, પોલીસ કર્મચારીઓના કલ્યાણ અર્થે રહેણાંક પોલીસ ક્વાર્ટર્સ મંજૂર કરવાની પ્રક્રિયાને પણ વેગ આપવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી
