• *રાજ્યભરમાં ખાદ્ય પદાર્થોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા અને સઘન ચકાસણી ઝુંબેશ*
• *આઇસક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠોના વેચાણ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા ૧૮૩થી વધુ નમૂનાઓ લેવાયા*
• *સુરત જિલ્લાના લીંડીયાડ ખાતેથી અંદાજિત રૂ. ૧૧.૨૬ લાખની કિંમતનો ૧૬૦૩ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરતી ફ્લાઈંગ સ્ક્વોડ*
“લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે ગુજરાત સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અન્વયે ખાદ્ય પદાર્થોમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં વિશેષ ચેકિંગ ડ્રાઇવ અને દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ખોરાક-ઔષધ નિયમન તંત્રની તાજેતરની કામગીરી અંગે માહિતી આપતા મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આજે સુરતના માંગરોળ તાલુકાના લીંડીયાડ સ્થિત ‘દેવકુંજ મિલ્ક પ્રોડક્ટસ પ્રાઈવેટ લીમીટેડ’ ખાતે તપાસ હાથ ધરાઈ હતી. આ દરોડા દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર્સે સ્થળ પરથી અંદાજે રૂ. ૧૧.૨૬ લાખની કિંમતનો ૧૬૦૩ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે અને રિપોર્ટના આધારે આગામી સમયમાં કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે લાલઆંખ કરતાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. રાજ્યના પ્રત્યેક નાગરિકને સુરક્ષિત, પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મક્કમ છે.
મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં આઇસક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠોના વેચાણ સંદર્ભે વિશેષ તપાસ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમોએ ઉત્પાદકો, હોલસેલર્સ અને ડેરીઓ પર સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં ૧૮૩ થી વધુ સેમ્પલ લીધા છે.
FSSAIના નિયમોનુસાર આઇસક્રીમ-ફ્રોઝન ડેઝર્ટ અને શ્રીખંડ-મઠો એ અલગ-અલગ પ્રોડક્ટ્સ છે. આઈસ્ક્રીમમાં મુખ્યત્વે મિલ્ક ફેટ -દૂધની ચરબી હોય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વેજીટેબલ ફેટ કે Edible Vegetable Oil નો ઉપયોગ થાય છે. આથી ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ તરીકે વેચવું એ ગ્રાહકો સાથે છેતરપિંડી છે. એ જ રીતે, શ્રીખંડ માટે કાયદાકીય ધોરણો નક્કી કરાયા છે, જ્યારે મઠોએ પરંપરાગત દૂધ આધારિત અલગ ઉત્પાદન છે. એકબીજાના નામે તેનું વેચાણ કરવું એ કાયદા મુજબ Misbranding કે Misleading Sale ગણાશે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને થતું આવું વેચાણ તેમના સ્વાસ્થ્ય અને અધિકારો સાથે ગંભીર ચેડાં સમાન છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.