રાજકોટ – અમદાવાદ હાઈવે પર ગોઝારો ત્રિપલ અકસ્માત : 5ના મોત, 4ને ઇજા

Spread the love

ચોટીલાના મોટી મોલડીના ડાભી અને મેઘાણી પરિવારના સભ્યો કુવાડવા બેગ બનાવતી ફેક્ટરીમાં કામ પૂર્ણ કરી ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો

રાજકોટ, તા.13

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામ નજીક કુચીયાદળ પુલ પાસે શનિવારે સર્જાયેલા ગોઝારા ત્રિપલ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભારત પેટ્રોલિયમના ટેન્કર, એક ટ્રક અને ઈકો કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળના દ્રશ્યો જોઈ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ગઈકાલે 4 લોકોના મોત થયા બાદ આજે વહેલી સવારે સારવારમાં રહેલા પ્રકાશ નામના ઇકો ચાલકનું પણ મોત નીપજ્યું હતું.

 

પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના મોટી મોલડી ગામના ડાભી અને મેઘાણી પરિવારના સભ્યો કુવાડવા જીઆઇડીસીમાં આવેલી બેગ બનાવતી ફેક્ટરીમાં નોકરી કરતા હતા. રોજની જેમ તેઓ પોતાની ફરજ પૂર્ણ કરીને ઈકો કાર મારફતે પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. દરમિયાન બેટી રામપર ગામ નજીક પહોંચતા જ ઈકો કાર, ટ્રક અને ભારત પેટ્રોલિયમના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર લોકો અંદર જ ફસાઈ ગયા હતા.

 

અકસ્માત બાદ ઘટનાસ્થળે જાણે કાળો કેર વર્તાયો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ઈકો કારમાંથી કેટલાક મૃતદેહો કચડાયેલી હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રક રોડની વચ્ચે આવેલા ડિવાઈડર નજીક પલટી મારી ગયો હતો, જ્યારે ટેન્કરના કેબિનનો આગળનો ભાગ પણ ભારે નુકસાન પામ્યો હતો. વાહનોના કાટમાળ અને લોહીલુહાણ દ્રશ્યો જોઈ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોના હૃદય કંપી ઉઠ્યા હતા.

અકસ્માત સર્જાતા જ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને આસપાસના સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરીમાં જોડાયા હતા. વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. થોડા જ સમયમાં એક પછી એક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે મહિલાઓ અને બાળકોના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

 

પોતાના સ્વજનોને લોહીલુહાણ હાલતમાં જોઈ પરિવારજનો ભાંગી પડ્યા હતા. મૃતકોના સ્વજનોના આક્રંદથી હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. અકસ્માત બાદ થોડા સમય માટે સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો હતો. અકસ્માતના પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર

 

દોડી ગયો હતો. પોલીસ દ્વારા સ્થળની સ્થિતિ કાબૂમાં લેવા તેમજ બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ મૃતદેહોને કુવાડવા ખાતે અને એક મૃતદેહને રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

જ્યારે સારવારમાં રહેલ પ્રકાશભાઈ મેઘાણીનું પણ રાજકોટ સિવિલમાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઉપરાંત અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુએ ખસેડવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ વાહનોને રોડ પરથી હટાવી ટ્રાફિકને ધીમે ધીમે પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ અકસ્માતને લઈને પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

 

અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં કોની બેદરકારી જવાબદાર હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જોકે પ્રાથમિક રીતે અકસ્માતની તીવ્રતા અને વાહનોને થયેલા નુકસાન પરથી ટક્કર અત્યંત જોરદાર હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર વારંવાર સર્જાતા ગંભીર અકસ્માતોની વધુ એક ઘટના સામે આવતા માર્ગ સુરક્ષા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

 

એક જ ક્ષણમાં ચાર પરિવારોના સભ્યોના મોત અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં મોટી મોલડી સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોમાં કલ્પાંત છવાઈ ગયો છે, જ્યારે ઇજાગ્રસ્તોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

ચાર હતભાગી મૃતકોની યાદી

ધૂનાબેન દિનેશભાઈ ડાભી (ઉં.વ. 25)

ભાવિષાબેન રમેશભાઈ ડાભી (ઉં.વ.14)

લાભુબેન વિનુભાઈ મેઘાણી (ઉં.વ. 55)

વિલાશબેન વિનુભાઈ મેઘાણી (ઉં.વ. 22)

પ્રકાશભાઈ વિનુભાઈ મેઘાણી (ઉં.વ.30) (ઇકો ચાલક)

(રહે. તમામ : મોટી મોલડી ગામ, તા.ચોટીલા જિ. સુરેન્દ્રનગર)

 

ઈજાગ્રસ્તો, જેને સારવારમાં ખસેડાયા હતા

રમેશભાઈ ગગજીભાઈ ડાભી (ઉં.વ.57)

લીલાબેન રમેશભાઈ ડાભી (ઉં.વ.55)

પૂર્વી દિનેશભાઈ ડાભી (ઉં.વ.18)

શ્રદ્ધા દિનેશભાઈ ડાભી (ઉં.વ.15)

(રહે. તમામ : મોટી મોલડી ગામ, તા.ચોટીલા જિ. સુરેન્દ્રનગર)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *